Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લાદેનની ભત્રીજીનો ધડાકો

જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ ન બન્યા તો અમેરિકામાં ફરી ૯/૧૧ જેવા હુમલાની શકયતા

વોશિંગ્ટન તા. ૮ : અમેરિકામાં વ્હાઇટ હાઉસની રેસ હવે દિવસે દિવસે વધુ રોમાંચક બની રહી છે. ૩ નવેમ્બરનાં રોજ, યુ.એસ.માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. દરેકને આશા છે કે હાલનાં રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, જે રિપબ્લિકન છે, તેમને બીજી વખત તક મળી શકે છે. દરમિયાન અલ કાયદાનાં નેતા ઓસામા બિન લાદેનની ભત્રીજી નૂર બિન લાદેને ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે ટેકો આપીને બધાને આશ્યર્યચકિત કર્યા છે. નૂરે કહ્યું છે કે, જો ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે નહી ચૂંટાય, તો તે વાતની પૂરી સંભાવના છે કે અમેરિકા પર ૯/૧૧ ની જેવો વધુ એક હુમલો જોવા મળી શકે છે.

નૂરે પહેલીવાર ઇન્ટરવ્યૂ આપ્યું છે. આ મુલાકાતમાં તેણે કહ્યું છે કે, જો બાઇડેન રાષ્ટ્રપતિ બને છે તો ૯/૧૧ થી પ્રેરિત બીજો હુમલો અમેરિકાને હચમચાવી શકે છે. ૩૩ વર્ષીય નૂરનાં જણાવ્યાં અનુસાર માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ આવા હુમલાને રોકી શકે છે. નૂર બિન લાદેને દાવો કર્યો છે કે, અમેરિકામાં લેફટ તરફ ઝૂકાતી વિચારધારા હવે ચરમપંથી વિચારધારાવાળા લોકો તરફ વધુ છે. નૂર બિન લાદેનનાં કહેવા મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અથવા બાઇડેનનાં કાર્યકાળ દરમિયાન આઈએસઆઈએસ ઝડપથી પગ ફેલાવી ચૂકયો છે અને હવે આતંકવાદીઓ યુરોપ તરફ આવી રહ્યા છે. લાદેન ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૧ નાં રોજ અમેરિકા પર થયેલા સૌથી ખતરનાક આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં ૩ હાજર લોકો માર્યા ગયા હતા. ૧ મે, ૨૦૧૧ નાં રોજ એક ઓપરેશનમાં યુ.એસ.એ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને લાદેનને ઠાર કર્યો હતો.

તેણીએ એ પણ જણાવ્યું કે, તે ટ્રમ્પને કેમ પસંદ કરે છે અથવા ટ્રમ્પનાં નેતૃત્વમાં અમેરિકાનાં લોકો સલામત કેમ છે? નૂર બિન લાદેને કહ્યું, 'ટ્રમ્પે બતાવ્યું છે કે તે અમેરિકનોનું રક્ષણ કરી શકે છે અને આતંકવાદીઓનાં હુમલા પહેલા તેઓ તેને ખતમ કરી દે છે.' આ રીતે તે અમેરિકન જનતાનું રક્ષણ કરવામાં સક્ષમ છે. નૂરનાં કહેવા પ્રમાણે, તે ત્રણ વર્ષની ઉંમરમાં ઘણી વખત તેની માતા સાથે એક વર્ષમાં ઘણા દેશોમાં ગઇ છે. જયારે ટ્રમ્પે પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ્ય અજમાવવાની જાહેરાત કરી ત્યારથી તે ટ્રમ્પની સમર્થક રહી છે. નૂરની માનીએ તો ટ્રમ્પ જે વાત કરે છે, તેને પૂર્ણ કરીને બતાવે છે, તેથી જ તે તેમને ખૂબ પસંદ કરે છે. નૂર કહે છે કે ટ્રમ્પને ફરીથી જીતવું જ જોઇએ. તેઓ ફકત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમી સંસ્કૃતિનાં ભવિષ્ય માટે જરૂરી છે.

(11:09 am IST)