Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

૧૯૨૬ બાદ ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ

સામાન્ય કરતા ૨૭ ટકા વધુ વરસ્યો વરસાદ

નવી દિલ્હી તા. ૮ : આ વર્ષે ઓગસ્ટમાં પડેલો વરસાદ ૧૯૨૬ની સાલથી અત્યાર સુધીમાં પડેલો સૌથી વધુ વરસાદ હતો, જે આ મહિનામાં સામાન્ય રીતે પડતા વરસાદ કરતા ૨૭ ટકા વધારે છે. આવું ભારતીય હવામાન ખાતાએ સોમવારે જાહેર કરેલા આંકડાઓમાં કહેવાયું છે. ૧૯૨૬માં ઓગસ્ટ મહિનામાં ૩૪.૮ સે.મી. વરસાદ પડયો હતો જે સામાન્ય કરતા ૩૩ ટકા વધારે હતો, જ્યારે આ વરસે ઓગસ્ટમાં ૩૨.૭ સે.મી. વરસાદ પડયો હતો.

હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે, ઓગસ્ટમાં વધારે વરસાદ પડયો છે પણ આ વર્ષના કુલ આંકડા જોઇએ તો તે હવામાન વિભાગની આગાહી અનુસાર નોર્મલ જ છે એટલે કે લગભગ ૯૬ થી ૧૦૪ ટકા જેટલો છે.

હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં દેશમાં વરસાદ ઓછો થશે પણ ૧૭ સપ્ટેમ્બરની આસપાસ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. સામાન્ય રીતે ભારતમાં ચોમાસુ ૧૫ સપ્ટેમ્બર પછી વિદાય લેવાની શરૂઆત કરે છે પણ આ વર્ષે તે લગભગ એક મહિનો મોડું વિદાય થવાની શકયતા છે.

તેમણે કહ્યું કે, ઓગસ્ટમાં વધુ વરસાદ થવાનું કારણ બંગાળના અખાતમાં લાંબી ચાલેલી લો પ્રેશર સીસ્ટમ હતી. સામાન્ય રીતે વરસાદની આખી સીઝન દરમિયાન ૧૨ થી ૧૩ લો પ્રેશર સીસ્ટમ બનતી હોય છે. આ વખતે ઓગસ્ટમાં જ ૬ લો પ્રેશર સીસ્ટમ બની હતી તેના કારણે પણ ઓગસ્ટમાં વધુ વરસાદ થયો હતો.

(11:50 am IST)