Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અંડમાન-નિકોબારમાં એક વાર ફરી ભૂકંપ

રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪ માપવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૮: અંડમાન-નિકોબારમાં એકવાર ફરી ભૂકંપનાં ઝટકાનો અનુભવ થયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દિગલીપુરથી ૨૦ કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રીનાં ૩ વાગ્યે અંડમાન-નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો.

આ પહેલા રવિવારે પણ સવારે અંડમાન-નિકોબારમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રવિવારે સવારે ૬.૩૮ કલાકે અંડમાન-નિકોબારમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર રવિવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૪.૩ હતી. ભૂકંપની ઉંડાઈ ૮૨ કિલોમીટર હતી. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રનાં પાલઘરમાં ભૂકંપનાં ઝટકા અનુભવાઇ રહ્યા છે.

ધરતીની અંદર જયારે પ્લેટ્સની ટક્કર થાય છે ત્યારે ભૂકંપ આવે છે. ધરતીની અંદર ૭ પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. જયારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ ટકરાય છે, જેના કારણે ફોલ્ટ લાઇન ઝોન બની જાય છે અને સપાટીના ખૂણા વળી જાય છે. સપાટીનાં વળાંકને કારણે, દબાણ બને છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટ્સનાં તૂટવાથી આંતરિક ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે, જેના કારણે ધરતી હલવા લાગે છે જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ.

(11:51 am IST)