Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભારતમાં આ મહિને શરૂ થશે રશિયન રસી સ્યુટનિક-પની કલીનીકલ ટ્રાયલ

ચીને બૈજીંગ વેપાર મેળામાં પોતાની રસી પહેલીવાર પ્રદર્શીત કરી

મોસ્કો, તા. ૮ : કોરોના વાયરસની રશીયન રસી સ્યુટનિક-પની કલીનીકલ ટ્રાયલ આ મહિને ભારત સહિત ઘણા દેશોમાં શરૂ થશે. રશીયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન ફંડના સીઇઓ કિરિલ કિમીયોઓએ જણાવ્યું કે અમેરિકામાં ૩૦ હજાર લોકો પર એસ્ટ્રોજેનેકા રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થતા પહેલા જ રશીયાએ ર૬ ઓગસ્ટે રજીસ્ટ્રેશન પછીની ટ્રાયલ ૪૦ હજાર લોકો પર શરૂ કરી દીધી હતી.

કિરીલે કહ્યું કે સાઉદ્દી અરબ, યુએઇ, ફિલીપાઇન્સ, ભારત અને બ્રાઝીલમાં કલીનીકલ ટ્રાયલ આ મહિને શરૂ થશે. ત્રીજા તબક્કાની ટ્રાયલના પ્રાથમિક રિઝલ્ટ ઓકટોબર નવેમ્બરમાં જાહેર કરવામાં આવશે.

રશિયન આરોગ્ય મંત્રાલયે ૧૧ ઓગસ્ટે પોતાની રસીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ અને તે દુનિયાની સૌથી પહેલી રજીસ્ટર્ડ રસી છે. કિરીલે કહ્યું કે ભારત ઐતિહાસિક રીતે રશીયાનું મહત્વનું ભાગીદાર રહ્યું છે. દુનિયાભરની ૬૦ ટકા રસીઓનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. રશિયા ભારતીય ભાગીદારોની અત્યંત સંતુલિત વિચારધારાને આવકારે છે. જેમણે આ રસીને નિશાન બનાવવાના બદલે તેને સમજવાની કોશિષ કરી.

દરમિયાન ચીને આ અઠવાડીયે બૈજીંગ વ્યાપાર મેળામાં પોતાની સ્વદેશી કોરોના રસીને પહેલીવાર પ્રદર્શિત કરી. આ રસીને ચીની કંપનીઓ સાઇનોવેક બાયોટેક અને સાઇનાફોર્મે તૈયાર કરી છે. તેમાંથી કોઇપણ હજુ માર્કેટમાં નથી આવી પણ નિર્માતાઓને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પુરી થતા તેને સ્વીકૃતિ મળી જશે. સાઇનો વેકના પ્રતિનિધિએ જણાવ્યું કે કંપનીએ રસીની ફેકટરી બનાવી લીધી છે. ત્યાં દર વર્ષે ૩૦ કરોડ ડોઝનું ઉત્પાદન થઇ શકશે.

(2:53 pm IST)