Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ઇકોનોમીમાં ૧૦.૫% ગાબડુ પડશે : કોરોના - લોકડાઉને ડુચા કાઢયા

રેટિંગ એજન્સી ફિચે કરી ભવિષ્યવાણી : ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૦.૫ ટકાનો ઘટાડો નોંધાશે :ઓકટોબર - ડિસેમ્બરના કવાર્ટરમાં જીડીપીમાં સુધારો જોવા મળશે : જો કે સુધારાની રફતાર સુસ્ત અને અસમાન રહેશે

નવી દિલ્હી તા. ૮ : રેટિંગ એજન્સી ફિચે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને અનુમાન લગાવતા ઝટકો આપ્યો છે. ફિચે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૦.૫ ટકાના ભારે ઘટાડાનું અનુમાન વ્યકત કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની પહેલા ત્રિમાસિકમાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (GDP)માં ૨૩.૯ ટકાનો ઘટાડો આવ્યો છે, જે વિશ્વભરના મોટા દેશોની અર્થવ્યવસ્થામાં આવેલા ઘટાડામાં સૌથી ઊંચા આંકડાઓ પૈકી એક છે. કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું અને આ લોકડાઉન ધાર્યા કરતા વધુ લાંબુ ખેંચાતા તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી, જેને કારણે હવે અર્થવ્યવસ્થામાં ઘટાડાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રેટિંગ એજન્સી ફિચે મંગળવારે નિવેદન જાહેર કરતા કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય ઈકોનોમીમાં ૧૦.૫ ટકાનો ઘટાડો આવી શકે છે.

ફિચના નિવેદન અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ભારતના GDPમાં સુધારો જોવા મળશે, પરંતુ ઈકોનોમીમાં સુધારાની ગતિ એકદમ સુસ્ત હશે. ફિચે પોતાના અનુમાનના આંકડાઓને સંશોધિત કરતા તેને ૧૦.૫ ટકા કરી દીધુ છે. ફિચે આ અગાઉ ભારતની અર્થવ્યવસ્થામાં ૫ ટકાના ઘટાડાનું અનુમાન વ્યકત કર્યું હતું, જેને હવે વધારીને ૧૦.૫ ટકા કરી દેવામાં આવ્યું છે.

આ અંગે ફિચ રેટિંગ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, સીમિત ફિસ્કલ સપોર્ટ મળવાને કારણે તેમજ ફાયનાન્સિયલ સિસ્ટમ નબળી હોવાને કારણે આર્થિક ગતિવિધિઓ સામાન્ય નથી થઈ શકી. જોકે, ફિચે ઈન્ડિયન યુનિટ ઈન્ડિયા રેટિંગ્સ ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથને લઈને વધુ નિરાશા વ્યકત કરી છે. ઈન્ડિયા રેટિંગ્સે મંગળવારે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં લખ્યું છે, ફિસ્કલ યર ૨૦૨૧માં ભારતના GDPમાં ૧૧.૮ ટકાનો ઘટાડો આવશે.

ફિચ કરતા પહેલા કેર રેટિંગ્સે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને અનુમાન વ્યકત કર્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ઈકોનોમીમાં ૬.૪ ટકાનો ઘટાડો આવી શકે છે. જયારે મૂડીઝએ ૫ ટકાના ઘટાડાનું અનુમાન વ્યકત કર્યું હતું. જયારે રેટિંગ એજન્સી કેરે ૨૦૨૦- ૨૧માં ભારતના GDPમાં ૧.૫-૦૧.૬ ટકા સુધીના ઘટાડાનું અનુમાન વ્યકત કર્યું હતું. ફિચે પણ જૂન મહિનામાં જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં ભારતની અર્થવ્યવસ્થામાં ૫ ટકાના ઘટાડાનું અનુમાન વ્યકત કર્યું હતું, જેને હવે ૫ ટકા હજુ વધારી દેવામાં આવ્યું છે.

(3:03 pm IST)