Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ચેન્નઈમાં PM કિસાન સમ્માન નિધિમાં કરોડોનું કૌભાંડ : ૪૦ હજાર ગેરલાયક લોકો વર્ષે ૬ હજાર ચાઉં કરી રહ્યા છે.

ચેન્નઈ: ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની ગેરન્ટી આપનારી સ્કીમ PM કિસાન સમ્માન નિધિ યોજના માં મોટું કૌભાંડ સામે આવ્યું છે. તમિલનાડુ (Tamil Nadu)માં કરોડો રૂપિયાની ઠગાઈ કેસમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસની તપાસ CID દ્વારા કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી CBCIDના કુડ્ડાલોર, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, સલેમ, કલ્લાકુરિચી જિલ્લાઓમાંથી 16 લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછમાં સામે આવ્યું કે, લગભગ 40 હજાર ગેરલાયક લોકો ખોટી જાણકારી આપીને પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાથી વાર્ષિક 6000 રૂપિયાનો લાભ ઉઠાવી રહ્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 3 હપ્તાઓમાં ખેડૂતોને વાર્ષિક મદદ આપવામાં આવે છે.

આ ફ્રૉડ લગભગ એક વર્ષ પહેલા સામે આવ્યું હતું. જ્યારે કુડ્ડાલોર કલેક્ટર ચંદ્રશેખર સખામુરાઈએ પિલાઈયારમેડૂ ગામમાં લાભાર્થીઓની યાદીમાં જે ખેડૂત ના હોય, તેમનું પણ નામ મળી આવ્યું હતું. જે બાદ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

તપાસમાં કૃષિ વિભાગના જોઈન ડિરેક્ટર્સે પોતાના અધિકાર ક્ષેત્રની તપાસમાં આવા અનેક ફ્રૉડ હોવાની વાત કહી હતી. જે બાદ સરકારે CBCIDને કેસની તપાસ સોંપવામાં આવી છે.

રાજ્યમાં ભાજપ કિસાન મોર્ચાના ઉપાધ્યક્ષ રાજા સુરેન્દ્ર રેડ્ડીએ કહ્યું કે, ખોટા દસ્તાવેજો અને નકલી સરનામાંના આધાર પર આ લોકો ફાયદો ઉઠાવી રહ્યાં હતા.

એક અધિકારીએ કહ્યું કે, નકલી લાભાર્થીઓના ખાતામાં 10 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ હતી. જેમાં 1.5 કરોડ રૂપિયા પરત સરકારના ખાતામાં મોકલી દેવામાં આવ્યા છે.

અધિકારીઓએ આગળ જણાવ્યું કે, ફ્રૉડ કેસમાં ધરપકડ કરવામાં આવેલા લોકોમાંથી બે સલેમ જિલ્લાના થારામંગલમથી છે. આ લોકોએ જ બિન-ખેડૂતોને પોતાના કૉમ્પ્યુટર સેન્ટરથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન સ્કીમમાં એપ્લાય કરવામાં મદદ કરી હતી.

એકલા સલેમ જિલ્લાથી જ લગભગ 14,000 ગેરલાયક લાભાર્થીઓ છે. જ્યારે અન્ય જિલ્લાઓથી લગભગ 5000 આવા બિનલાયક લાભાર્થીઓ છે. આ સિવાય અન્ય 51 લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યા છે.

ફ્રૉડ કેસમાં કાર્યવાહી કરતા કૃષિ વિભાગમાં સ્થાયી કર્મચારી કે રાજાને ફ્રૉડમાં ભાગીદારીના આરોપ હેઠળ સસ્પેન્સ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય કૃષિ વિભાગે સલેમના જોઈન્ટ ડિરેક્ટર ઈલાનગોવાનને પણ ટ્રાન્સફર કરી દીધા છે.

આ કૌભાંડ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ તિરુવલ્લૂરમાં પત્રકારોને કહ્યું કે, આ કેસની તટસ્થ તપાસ ચાલી રહી છે. આ કૌભાડ મામલે ભાજપ નેતાઓએ પણ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી કારૂ નાગાર્જુને પાર્ટીના અન્ય હોદ્દેદારો સાથે મુખ્ય સચિવ કે સંનમુગમને પીટિશન સોંપીને ગેરલાયક લાભાર્થીઓના નામ તાત્કાલીક યાદીમાંથી દૂર કરવાની માંગ કરી છે.

જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી DMKના નેતા એમ કે સ્ટાલિને કહ્યું કે, મુખ્યમંત્રી પલાનીસામીના ગૃહ જિલ્લામાં 10,000થી વધુ ગેરલાયક લાભાર્થીઓ મળવા ચિંતાજનક છે.

(6:31 pm IST)