Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોનાની સુરક્ષા માટે ડિસઇન્ફેકશન ટનલના ઉપયોગ પર સરકાર પ્રતિબંધ મુકશે : લોકો માટે આ પ્રક્રિયા હાનિકારક છે

જાહેરહિતની અરજીની સુનવણીમાં સુપ્રીમ કોર્ટમાં જવાબ રજુ કર્યો

નવી દિલ્હી: કોરોના મહામારી (Corona Pandemic)ની શરૂઆતમાં તેના બચાવ માટે જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન્સ (Covid Guidelines)માં ડિસઈન્ફેક્શન ટનલ (Disinfection Tunnel)ના ઉપયોગની સલાહ આપનાર કેન્દ્ર સરકાર હવે તેને હાનિકારક ગણાવી રહી છે.

ડિસઈન્ફેક્શન ટનલથી થનારા નુક્સાનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, આ ટનલનો ઉપયોગ કરવો મેડિકલ અને મનોવૈજ્ઞાનિક રીતે પણ હાનિકારક છે. હવે તેનો ઉપયોગ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.

શું હોય છે ડિસઈન્ફેક્શન ટનલ?
ડિસઈન્ફેક્શન ટનલ અમુક ફૂટ લાંબી એક સુરંગના જેવી હોય છે. જેમાં સેનિટાઈઝર સહિત અન્ય કેમિકલોનું રસાયણ સ્પ્રે તરીકે હોય છે. શરૂઆતના તેને સરકારી કચેરીઓ અને પબ્લિક પ્લેસ પર લગાવવામાં આવી હતી. જેથી લોકો તેમાંથી પસાર થઈને નીકળતા હતા.

કહેવામાં આવ્યું હતું કે, આ ટનલમાંથી પસાર થતા સમયે લોકો સેનેટાઈઝર સહિત અન્ય કેમિકલના સંપર્કમાં આવે છે. જેનાથી 60 સેકન્ડમાં વાઈરસ ખતમ થઈ જાય છે. કોરોના મહામારીની શરૂઆતમાં સમગ્ર ચીનમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

LLBના વિદ્યાર્થી દ્વારા જાહેરહિતની અરજી દાખલ કરાઈ
NDTVના રિપોર્ટ અનુસાર, LLBના વિદ્યાર્થી ગુરસિમરન સિંહ નરુલાએ જાહેરહિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ટનલમાંથી પસાર થવાથી કોરોના બીમારીથી બચાવ નથી થતો, કારણ કે ટનલમાંથી નીકળનારા કેમિકલનો સ્પ્રે હાનિકારક હોય છે.

અરજકર્તાએ આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સહિત અન્ય કેટલીક સંસ્થાઓના રિપોર્ટનો આધાર પણ આપ્યો હતો. જે બાદ 10 ઓગસ્ટે જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા ધરાવતી પીઠે આ મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો.

ડિસઈન્ફેક્શન ટનલનો ઉપયોગ બંધ કરાઈ રહ્યો છે
અરજી પર સુનાવણી દરમિયાન સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, ડિસઈન્ફેક્શન ટનલનો ઉપયોગ પહેલાથી જ લગભગ બંધ કરી દેવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ આવી ટનલના ઉપયોગને હાનિકારક ગણાવી છે.

જેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, જો આ ડિસઈન્ફેક્શન ટનલ ખરાબ છે, તો સરકાર તેના પર પ્રતિબંધ કેમ નથી લગાવી રહી?

આ પ્રશ્નનો જવાબ આપતા સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, મંગળવાર સુધીમાં યોગ્ય આદેશ જાહેર કરી દેવામાં આવશે. હવે આ મામલે આગામી સુનાવણી એક અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે.

મેડિકલ એક્સપર્ટોએ આપી ચેતવણી
મેડિકલ એક્સપર્ટોનું કહેવું હતું કે, આ ટનલ મારફતે સંક્રમિત વ્યક્તિના શરીરની અંદર રહેવા વાઈરસને ખતમ નથી થતો. જેનાથી વિપરીત આ ટનલમાંથી સંક્રમિત વ્યક્તિના નીકળ્યા બાદ તે અન્ય લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે.

તેમણે એ પણ જણાવ્યું કે, આ પ્રકારની ટનલ લોકોને બેદરકાર બનાવે છે. જે સંક્રમણને ઝડપથી ફેલાવવા માટેનું મુખ્ય કારણ બની શકે છે. ડિસઈન્ફેક્શન ટનલને લઈને આરોગ્ય નિષ્ણાંતોએ ત્વચા સબંધી રોગ થવાની ચેતવણી પણ આપી છે.

તબીબોનું કહેવું હતું કે, ટનલમાંથી પસાર થવા દરમિયાન કેમિકલ શ્વાસની સાથે શરીરમાં જાય છે અને તેનાથી અન્ય ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.

આજ પ્રકારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO)ને પણ કોરોનાથી બચવા માટે શરીર પર કેમિકલ સ્પ્રે નહી કરવાની એડવાઈઝરી ઈસ્યૂ કરી હતી. જે પ્રમાણે સ્પ્રેનો ઉપયોગ કોરોના સંક્રમણના બચાવની જગ્યાએ જોખમ વધારી શકે છે.

(6:33 pm IST)