Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

એમપીમાં સ્ટેમ્પ ડ્યુટી ૩%થી ઘટાડી એક ટકા કરી દેવાઈ

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે જાહેરાતઃ અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડી હતી

 

 

ભોપાલ, તા. ૮: મધ્યપ્રદેશ સરકારે સ્ટેમ્પ ડ્યૂટીનો દર ત્રણ ટકાથી ઘટાડી એક ટકા કર્યો છે. અગાઉ મહારાષ્ટ્ર સરકાર પણ આવો ઘટાડો કરી ચૂકી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે શહેરી ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા દસ્તાવેજ નોંધણી ફીમાં ઘટાડો કરાયો છે. કોરોનાને કારણે આર્થિક ગતિવિધિ સ્થગિત થઈ ગઈ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. આ ક્ષેત્રને ઉત્તેજન આપવા આ નિર્ણય લેવાયો છે. આ ૩૧ ડિસેમ્બર સુધી અમલી રહેશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે જણાવ્યું કે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો અને આગામી સમયમાં આ જ પ્રકારે વધુ પગલાની જાહેરાત કરાશે. ચૌહાણે જણાવ્યું કે લોકડાઉનને પગલે આર્થિક ગતિવિધિ થંભી ગઈ હતી. રિયલ એસ્ટેટ સેક્ટર પણ પ્રભાવિત થયું હતું કારણ કે લોકોની આર્થિક ક્ષમતામાં ઘટાડો થયો હતો. તેમણે જણાવ્યું કે અમે અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા ઈચ્છીએ છીએ. રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં ૨ ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાને પગલે મિલકત ખરીદ-વેચાણને વેગ મળશે તેવી અપેક્ષા છે.

અગાઉ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ૧ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી સ્ટેમ્પ ડ્યુટી ૩ ટકા અને ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ૨ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને પગલે મુંબઈ, પુણે, નાગપુર સહિતના શહેરોમાં મકાન અને ફ્લેટ તેમજ પ્લોટની ખરીદીમાં લોકોને સરળતા મળી શકશે. દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર ઉત્પાદન કરતા ક્ષેત્ર પૈકીનું એક છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાથી વેચાણ અને ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર પુનઃ ચેતનવંતુ બની શકશે તેમ નિષ્ણાતોનું માનવું છે.

(9:59 pm IST)