Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લાંબા સમયની તેજી બાદ એમસીએક્સ પર સોનાનો ભાવ ઘટીને સડસડાટ ૫૧,૦૦૦/- સુધી થયો

રોકાણકારો નફો ગાંઠે બાંધી લેતા ભાવમાં થયો જંગી ઘટાડો એમસીએક્સ પર સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૫૦,૮૪૫ સુધી ટકયોઃ જયારે ચાંદીમાં પણ સામાન્‍ય ઘટાડો નોંધાયો

નવી દિલ્‍હીઃ વૈશ્વિક કોરોના મહામારી વચચે મળતા જુદા જુદા સંકેતોના પગલે સોના ચાંદી બજારમા સામાન્‍ય વધ ઘટ જોવા મળે છે જો કે આજે એમઇએકસ પર સોનુ ઘટીને ૫૧ હજારથી પણ નીચે ચાલ્‍યુ ગયુ છે.

ભારતમાં એમસીએક્સ પર સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 0.42 ટકા એટલે કે 216 રૂપિયા ઘટીને 50,849 થયો હતો. જ્યારે ચાંદીના વાયદાનો ભાવ 0.53 ટકા કે પ્રતિ કિલોએ 363 રૂપિયા ઘટીને પ્રતિ કિલો 67,908 થયો હતો.

જો કે સોમવારે રૂપિયો ઘટતા દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 258 રૂપિયા વધીને 51,877 થયો હતો. જ્યારે ચાંદીનો ભાવ 837 વધીને પ્રતિ કિલોગ્રામ 69,448 રૂપિયા થયો હતો.

જાપાનનું અર્થતંત્ર બીજા ક્વાર્ટરમાં પ્રારંભિક અંદાજ કરતાં વધારે સંકોચાયુ હતુ, જ્યારે જર્મન ઔદ્યોગિક ઉત્પાદન જુલાઈમાં અપેક્ષા કરતા ઓછું વધ્યુ હતુ. આ સૂચવે છે કે યુરોપના સૌથી મોટા અર્થતંત્રને કોરોના પૂર્વેના ઉત્પાદન સ્તરે પહોંચવામાં સમય લાગશે.

આ ઉપરાંત યુ.એસ. ફેડરલ રિઝર્વ એ ફુગાવા અંગે વધારે સહિષ્ણુ વલણ દાખવતા ડોલર (Dollar) પર દબાણ આવશે અને તેથી ફ્રેન્કફર્ટથી લઈને ટોકિયો સુધી નીતિગત ઘડવૈયાઓને પડકારવા અંગે મધ્યસ્થ બેન્કની ભૂમિકાને લઈને સવાલ થશે.

મધ્યસ્થ બેન્કો દ્વારા આપવામાં આવેલા વ્યાપક પ્રોત્સાહન પેકેજના લીધે સોનાને ફાયદો થયો છે. સોનુ આમ પણ ફુગાવા અને ચલણની અસ્થિરતા સામે રક્ષક મનાય છે. મંગળવારે અમેરિકન સ્ટોક ફ્યુચર્સ અને એશિયાઈ શેરોએ થોડી વૃદ્ધિ નોંધાવી હતી.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી અમેરિકા અને ચીનના અર્થતંત્રને અલગ કરવાનો વિચાર તરતો મૂકતા સૂચવ્યુ છે કે અમેરિકાએ તે સુનિશ્ચિત કરવુ જોઈએ કે વિશ્વના બે મોટા અર્થતંત્રો લાંબા સમય સુધી કારોબાર ન કરે તો પણ તેમને નુકસાન ન જાય.

ચાંદી 0.9 ટકા ઘટીને પ્રતિ ઔંસ 26.75 ડોલર થઈ હતી. પ્લેટિનમ 0.2 ટકા ઘટીને 906.17 ડોલર થયુ હતુ અને પેલેડિયમ 0.3 ટકા વધી 2,302.74 ડોલર થયું હતું. હાજરસોનું 0.2 ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,925.68 થયુ હતુ, જ્યારે યુ.એસ. ગોલ્ડ ફ્યુચર્સ 1,934.60 પર સ્થિર હતા.

વિશ્વસ્તરે ડોલર મજબૂત બનતા સોનાના ભાવ ઘટ્યા છે, જો કે કોરોનાના લીધે આર્થિક નવસંચાર અંગે વધતી ચિંતાના લીધે આ ઘટાડો મર્યાદિત રહ્યો છે. રોકાણકારો હવે આ સપ્તાહે યોજાનારી યુરોપીયન મધ્યસ્થ બેન્કની બેઠકની રાહ જોઈ રહ્યા છે, તેના પછી બજારની આગામી ચાલ નક્કી થઈ શકે છે.

(10:36 pm IST)