Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જીએસટીની આવકમાં તંગીની ભરપાઈ માટે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 40,000 કરોડ રૂપિયા ફાળવ્યા

ગુજરાત માટે 5 વર્ષ માટેના કાર્યકાળ માટે 1927.34 કરોડ અને 2 વર્ષના કાર્યકાળ માટે 1353.24 કરોડ રૂપિયાનું ફંડ જાહેર

નવી દિલ્હી : નાણાં મંત્રાલયે જીએસટી વળતરની તંગીને પહોંચી વળવા માટે લોન સુવિધા હેઠળ રાજ્ય અને વિધાનસભાવાળા કેન્દ્રશાસિત પ્રદેશો માટે આજે 40,000 કરોડ રૂપિયા જાહેર કર્યા છે 

પ્રકાશિત કરાયેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે અગાઉ 15 જુલાઈ, 2021ના રોજ રાજ્યો અને વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો માટે 75,000 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી હતી. વર્તમાન રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં GST વળતર સામે લોન તરીકે બહાર પાડવામાં આવેલી કુલ રકમ વધીને 1.15 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ગુજરાત માટે  5 વર્ષ માટેના કાર્યકાળ માટે 1927.34 કરોડ અને 2 વર્ષના કાર્યકાળ માટે 1353.24 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કુલ 3280.58 કરોડનું કુલ ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે.  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ અંદાજિત તંગીના 72 ટકાથી વધારેની રકમ આપવામાં આવી છે અને બાકીની રકમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

 

કેન્દ્ર દર બે મહિને રાજ્યોને GST વળતર ચૂકવે છે. તે કુલ સેસ સંગ્રહમાંથી બહાર પાડવામાં આવે છે, જ્યારે તાજેતરની રકમ તેનાથી અલગ હોય છે. જીએસટી કાઉન્સિલની 43મી બેઠકમાં કેન્દ્રએ નિર્ણય કર્યો હતો કે નાણાકીય વર્ષ 2021-22 માટે તે 1.59 લાખ કરોડ રૂપિયાની લોન લેશે અને તેને રાજ્યોમાં વહેંચશે. અગાઉ નાણાંકીય વર્ષ 2020-21માં પણ સરકારે રાજ્યો માટે 1.10 લાખ કરોડનું ભંડોળ જાહેર કર્યું હતું.

અહીં ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં (જીએસટી કલેક્શન) સરકારની કર આવક વધી છે. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 1.12 લાખ કરોડથી વધીને 1.17 લાખ કરોડ થયું છે. સરકારે જણાવ્યું હતું કે જીએસટી કલેક્શન ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2020ની સરખામણીમાં 23 ટકા વધીને 1,17,010 લાખ કરોડ રૂપિયા થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2020ની તુલનાએ સપ્ટેમ્બર 2021માં જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જીએસટી કલેક્શનમાં થઈ રહેલો સતત વધારો સરકાર અને દેશના અર્થતંત્ર માટે સારો સંકેત છે

(12:00 am IST)