Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ન્યુઝીલેન્ડમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું : કોવિડ પોલિસીમાં કર્યા ધરખમ ફેરફાર શૂન્ય-કોવિડ સ્ટ્રેટેજી છોડી દેવામાં આવશે

વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને કહ્યું -કોરોનાના વેરિએન્ટે માથું ઉંચકતા શૂન્ય કોવિડ પર પાછા ફરવું અતિ મુશ્કેલ

 

નવી દિલ્હી :ન્યુઝીલેન્ડમાં ફરી કોરોનાએ આતંક મચાવ્યો છે. ન્યુઝીલેન્ડ એક સમયે કોરોનામુક્ત દેશ બની ગયો હતો. પરંતુ હાલમાં જ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને કહ્યું છે કે તેમનો દેશ વાયરસ સાથે જીવવા તરફ છે. તેથી શૂન્ય-કોવિડ સ્ટ્રેટેજી  છોડી દેવામાં આવશે.

આ રીતે ન્યુઝીલેન્ડ એવા દેશોના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, જેમણે કોવિડને સંપૂર્ણપણે નાબૂદ કરવાના પ્રયાસો છોડી દીધા છે. દેશમાં કોરોના વાઈરસના ડેલ્ટા વેરિએન્ટના (Delta Variant) કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. રોગચાળાની શરૂઆતથી ન્યુઝીલેન્ડે તેની સરહદો બંધ કરી દીધી હતી.

કોરોનાની શરૂઆતથી ન્યૂઝીલેન્ડમાં માત્ર 4,500થી ઓછા કોરોના કેસ નોંધાયા છે અને 30થી ઓછા લોકોના મોત થયા છે. આ કોઈપણ દેશમાં નોંધાયેલા કોરોના કેસ અને મૃતકોમાં સૌથી ઓછા છે. પરંતુ ફરી ઓગસ્ટમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાએ માથું ઊંચક્યું છે. આ કારણે ઓકલેન્ડમાં લાંબું લોકડાઉન લાગુ કરવું પડયું હતું. પરંતુ છ અઠવાડિયા સુધી લોકડાઉન અમલમાં રહ્યું હોવા છતાં 24 નવા કોરોના કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના ઓકલેન્ડમાં જ નોંધાયા હતા.

જેસિન્ડા આર્ડર્ને સ્વીકાર્યું કે વાયરસ એક તંબુ જેવો છે. જેને હલાવવું અતિ મુશ્કેલ છે. આજ સુધી આપણે મોટાભાગે મહામારીને નિયંત્રણ કરવામાં સફળ રહ્યા છીએ. પરંતુ કોરોનાના વેરિએન્ટે માથું ઉંચકતા શૂન્ય કોવિડ પર પાછા ફરવું અતિ મુશ્કેલ છે.

તેમણે કહ્યું, પ્રતિબંધોના લાંબા સમયગાળાને કારણે પણ સંક્ર્મણમાં કોઈ ઘટાડો થયો નથી. આર્ડર્ને કહ્યું કે વાયરસ સાથે જીવવાનો પ્રયાસ કરવો એ હંમેશા ન્યુઝીલેન્ડનું એક પગલું હતું. પરંતુ ડેલ્ટા વેરિએન્ટે આ ફેરફારને વેગ આપ્યો છે. જો કે આર્ડર્ને કહ્યું નથી કે શૂન્ય-કોવિડ વ્યૂહરચના ક્યારે સમાપ્ત થશે.

(12:29 am IST)