Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

વિશ્વસ્તરે દરેક સાતમુ બાળક છે માનસિક બીમારીનો શિકાર : ગંભીર પગલા ઉઠાવી રહ્યા છે બાળકો

વિશ્વમાં દર વર્ષે ૪૬ હજાર બાળકો કે કિશોરો જીવન ટૂંકાવી રહ્યા છે : બાળકોમાં માનસિક સમસ્યાનું પ્રમાણ આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે

ન્યૂયોર્ક,તા.૮: UNICEF દ્વારા બાળકોને લઇને જાહેર કરવામાં આવેલો રિપોર્ટ અત્યંત ચિંતાજનક આંકડાઓ દર્શાવી રહ્યો છે. યૂનિસેફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આખી દુનિયામાં ૧૦થી૧૯ વર્ષની ઉંમરના દરેક સાતમાંથી એક બાળક માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

યૂનિસેફના કહેવા પ્રમાણે વૈશ્વિક કોરોના મહામારીને લીધે બાળકો અને કિશોરોના માનસિક આરોગ્ય પર ખરાબ અસર પડી છે. આ સ્થિતિ લાંબા સમય સુધી રહે એવા અનુમાન કરવામાં આવી રહ્યા છે. યૂનિસેફે રિપોર્ટને લઇને અપીલ કરી છે કે આ મુદ્દે ખાસ ધ્યાન દોરવાની જરુર છે, કારણ કે રિપોર્ટના પરિણામ અત્યંત ચિંતાજનક છે.

યૂનિસેફે આ માટે કોઇ ખાસ પગલા ના લેવાના મુદ્દે પણ ભારે ચિંતા વ્યકત કરી છે. કારણ કે, દર વર્ષે આશરે ૪૬ હજાર બાળકો કે કિશોર જીવન ટૂંકાવી દેવાના ગંભીર પગલા પણ ઉઠાવી રહ્યા છે. જેની પાછળ એમની માનસિક સ્થિતિ જવાબદાર હોય છે.

યૂનિસેફની કારોબારી સંચાલક હેનરીએટા ફોરે આ મુદ્દે ચિંતા વ્યકત કરતા કહ્યું કે, વૈશ્વિક મહામારીના ૧૮ મહિના બાળકો પણ ભારે પડ્યા છે. લોકડાઉન, પ્રતિબંધો, પરિવારો વચ્ચે, મિત્રો અને સંગાસંબંધીઓથી દૂર વગેર જેવા પરિબળો પણ બાળકોની માનસિક સ્થિતિને પ્રભાવિત કરે છે. જોકે એવુ નથી કે આ સ્થિતિ કોરોના કાળ દરમિયાન સામે આવી છે, આ પહેલા પણ મોટા પ્રમાણમાં બાળકોમાં માનસિક બીમારીની સમસ્યા સામે આવી ચૂકી છે, જેમાં કોરોના મહામારીએ વધારો કર્યો છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે, આ મુદ્દે યોગ્ય પગલા ના લેવાતાં સ્થિતિ વણસી શકે છે.

યૂનિસેફના આ રિપોર્ટમાં ૨૧ દેશોના બાળકો, કિશોરો અને વયસ્કોની પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. રિપોર્ટ મુજબ દુનિયાના સરેરાશ દરેક પાંચમાંથી એક વયસ્ક આ વાતને માને છે કે તેણે દ્યણીવાર માનસિક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

રિપોર્ટને લઇને એક તારણ મુજબ બાળકો માને છે કે, આ દરમિયાન સામાન્ય જીવન, શિક્ષણ, એંટરટેનમેન્ટ, સ્પોટ્સ એકિટવિટીમાં આવેલી અડચણોને લીધે એમના સ્વભાવમાં ઘણો ફેરફાર આવ્યો છે. તેમણે ગુસ્સો વધુ આવી રહ્યો છે અને ભવિષ્યને લઇને ચિંતા પણ વધી રહી છે.

(10:02 am IST)