Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આવા ચોર પહેલી વાર જોયા હશે!

હે પ્રભુ, અમને સફળતા આપો, અમે પકડાઈ ના જઈએઃ ૨૫% માલ મંદિરમાં ચઢાવતા હતા ચોર

મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી બે અજીબોગરીબ ચોરની ધરપકડ કરવામાં આવી

ઈન્દોર,તા.૮:  મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે ચોરોની ધરપકડ કરવામાં આવી છે. આ અન્ય ચોરોની જેમ નથી, તેમની વાતો સાંભળીને તમે પણ ચોંકી જશો. પોલીસે જે ચોરોની ધરપકડ કરી છે તે ચોરી કર્યા પછી ચોરીના માલના ૨૫ ટકા રાજસ્થાનના સાંવરિયા સેઠ મંદિરમાં ચઢાવે છે. તેઓ મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે, હે પ્રુભ, અમને આગળની દ્યટનામાં સફળતા આપજો અને અમે કયારેય પકડાઈ ના જઈએ તેનું ધ્યાન રાખજો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ગુનેગાર ચોરી કર્યા પછી સાંવરિયા સેઠ મંદિરમાં દર્શન કરવા આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૫૦ હજાર રોકડા, એક બાઈક અને સાડા ત્રણ લાખ રુપિયાના સોનાના ઘરેણાં જપ્ત કર્યા છે. પોલીસ પૂછપરછ કરીને અન્ય ઘટનાઓ વિષે પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આ શાતિર ચોરનું નામ સુનિલ અને દિનેશ છે. તુકોગંજ પોલીસે બન્ને ચોરની ધરપકડ કરી છે.

સુનિલ અને દિનેશના અન્ય બે સાથી વિષ્ણુ અને મહેન્દ્ર હજી પણ ફરાર છે. ચોરોએ જણાવ્યું કે, તે ઘરમાં પહેલા નોકર બનીને દાખલ થાય છે અને તક મળે તો પૈસા અને ઘરમાં પડેલા ઘરેણાં લઈને ફરાર થઈ જાય છે. ૨૯ સપ્ટેમ્બરના રોજ સાડીના વેપારી પલાશ જૈનના દ્યરે ચોરી થઈ હતી. બંગલામાં કામ કરનારા નોકર સુનીલ અને દિલીપ ફરાર હતા. બન્ને બાંસવાડા રાજસ્થાનના નિવાસી છે. ઘટના પછી વેપારીના પત્ની પાસેથી જાણકારી મેળવવામાં આવી હતી કે બન્નેને કયા આધાર પર બંગલામાં નોકરી આપવામાં આવી હતી.

આ પૂછપરછ દરમિયાન જણવા મળ્યુ હતું કે, વિષ્ણુ નામનો એક નોકર તેમના દ્યરે કામ કરતો હતો, જેણે જતા પહેલા સુનીલ અને દિલીપને બંગલામાં નોકરી અપાવી હતી. આ ટોળકીનો માસ્ટરમાઈન્ડ વિષ્ણુ હતો. તે પણ અત્યારે ફરાર છે. મંગળવારના રોજ પોલીસને સૂચના મળી કે બન્ને આરોપી વિસ્તારમાં ચોરી કરવા માટે જઈ રહ્યા છે, અને પોલીસે તેમને પકડી પાડ્યા.

ચોરી કર્યા પછી ચોર રાજસ્થાનમાં આવેલા સાંવરિયા સેઠ મંદિરમાં જતા હતા અને ચોરીના સામાનમાંથી ૨૫ ટકા ભાગ ભગવાનને ચઢાવતા હતા.

(10:05 am IST)