Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હવે મોબાઈલથી જ આપી શકાશે મત : દેશમાં પ્રથમ વાર તેલંગાણાએ બનાવી એપ્લિકેશન:આજથી રજીસ્ટ્રેશન શરૂ

સ્માર્ટફોન બેઈઝ ઈ-વોટિંગ એપ્લિકેશન મારફત ૨૦મીએ મતદાનનું પરિક્ષણ થશે

નવી દિલ્હી : દેશમાં પ્રથમ વાર તેલંગાણા સરકાર દ્વારા સ્માર્ટફોન બેઝડ ઈ-વોટિંગ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં ખમ્મમ જિલ્લામાં તેનું પરીક્ષણ પણ કરવામાં આવનાર છે. આ સોફ્ટવેરની મદદથી સીનિયર સિટિઝન, દિવ્યાંગ, આવશ્યક સેવામાં કામ કરતાં કર્મીઓ, દર્દીઓ વોટ આપી શકશે.

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ (CDAC) દ્વારા ટેક્નિકલ સપોર્ટ પુરો પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈઆઈટી ભિલાઈના ડિરેક્ટર રજત મૂના અને ચૂંટણી પંચના ટેકનિકલ એડવાઈઝર તેમજ આઈઆઈટી બોમ્બે અને દિલ્હીના પ્રોફેસરોની એક એક્સપર્ટ કમિટી દ્વારા આ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે.

આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ખમ્મમ જિલ્લામાં આ એપ્લિકેશનનું ડમી વોટિંગ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને 8થી 18 ઓક્ટોબર સુધી કોઈપણ વ્યક્તિ તેમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અને 20 ઓક્ટોબરે ડમી વોટિંગ કરવામાં આવશે. જો કે, આ એપ્લિકેશન પ્રાથમિક તબક્કામાં અમુક વર્ગ પુરતી જ સીમિત રહેશે, પણ ડ્રાય રનમાં કોઈપણ વ્યક્તિ વોટિંગમાં ભાગ લઈ શકશે.

તેલંગાણા સ્ટેટ ઈલેક્શન કમિશન દ્વારા આ અભિયાનનું બીડું ઝડપવામાં આવ્યું હતું. સરકારી સુત્રોએ જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા મતદાતાઓનું થ્રી સ્ટેજ ઓથેન્ટિકેશન કરવામાં આવશે. જેમાં આધાર કાર્ડ સાથે નામ મેચ કરવું, વ્યક્તિની લાઈવ ઓળખાણ અને ઈપીઆઈસી ડેટાબેઝ સાથે વ્યક્તિની ઈમેજ મેચ કરવામાં આવશે.

આ ઉપરાંત બ્લોકચેઈન ટેક્નોલોજીની મદદથી મતોને એન્ક્રિપ્ટેડ કરવામાં આવશે જેથી રેકોર્ડની ગુપ્તતા જળવાઈ શકે. આ એપ્લિકેશ ઈંગ્લિશ અને તેલુગુમાં હશે અને એકદમ સરળ ભાષામાં હશે કે જેથી કોઈપણ વ્યક્તિ તેને સમજી શકે. અને સાથે હેલ્પલાઈન નંબર ઉપરાંત ટ્યુટોરિયલ વિડીયો પણ હશે. TSEC e-Vote એપ્લિકેશનમાં સિક્યુરિટી પણ હશે કે જેથી તેને ટેમ્પર ન કરી શકાય. અને એક ડિવાઈસ માટે યુનિક આઈડી અપાશે જેથી એક જ ડિવાઈસ બીજી વખત મત માટે ઉપયોગ ન કરી શકાય.

(11:22 am IST)