Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રેલવે કર્મચારીઓને 78 દિવસનું વેતન દિવાળી બોનસ પેટે આપવાની જાહેરાત

બોનસ અંગેના આ નિર્ણયને પગલે સરકારને રૂપિયા 1,985 કરોડનો ખર્ચ થશે

નવી દિલ્હી :તહેવારોની સિઝન શરૂ થાય તે અગાઉ રેલવે કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2020-21 માટે 78 દિવસનું પ્રોડક્ટીવિટી-લિંક્ડ બોનસ (PLB) આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રના આ નિર્ણયને પગલે આશરે 11.56 લાખ નોન-ગેઝેટેડ રેલવે સ્ટાફને લાભ થશે, તેમ કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુરે આજે જણાવ્યું હતું.

બોનસ અંગેના આ નિર્ણયને પગલે સરકારને રૂપિયા 1,985 કરોડનો ખર્ચ થશે. વર્ષ 2020માં સરકારને બોનસ પેટે રૂપિયા 2,081.68 કરોડનો ખર્ચ થયો હતો. રેલવે પ્રત્યેક વર્ષ તેના કર્મચારીઓને બોનસ આપે છે. ગયા વર્ષે પણ કોરોના સંકટના સમયે રેલવે કર્મચારીઓને 78 દિવસનું વેતન બોનસ પેટે મળ્યું હતું.

ગયા વર્ષે કર્મચારીઓને રૂપિયા 17,951 બોનસ મળ્યું હતું. અહેવાલો પ્રમાણે રેલવે મંત્રાલયે તમામ યોગ્યતા ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને નાણાકીય વર્ષ 2020-21 માટે 78 દિવસનું વેતન PLB પેટે ચુકવવા કેન્દ્રિય કેબિનેટ સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી,જેને આજે મંજૂરી મળી છે.

(11:42 am IST)