Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

૨૪ કલાકમાં ૨૧,૨૫૭ નવા કેસ નોંધાયાઃ ૨૭૧ દર્દીએ જીવ ગુમાવ્‍યો

દેશમાં ૨૦૫ દિવસ બાદ સૌથી ઓછા એક્‍ટિવ કેસઃ રિકવરી રેટ ૯૮ ટકા થયો

નવી દિલ્‍હી, તા.૮: ભારતમાં કોરોના સંક્રમણની સ્‍થિતિ મહદઅંશે કાબૂમાં હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક્‍ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. ૨૦૫ દિવસ બાદ એક્‍ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ રિકવરી રેટ પણ સુધરીને ૯૮ ટકા થયો છે. ગુજરાતમાં હાલ ૧૨૭ એક્‍ટિવ કેસ છે, જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ લોકો સંક્રમિત થયા છે. સૌથી વધુ ચિંતા કેરળમાં છે. અહીં છેલ્લા એક દિવસમાં ૧૨,૨૨૮ કેસ નોંધાયા છે, જયારે ૧૪૧ દર્દીએ જીવ ગુમાવ્‍યો છે.
શુક્રવાર સવારે કેન્‍દ્રીય આરોગ્‍ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૧,૨૫૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૨૭૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૩,૩૯,૧૫,૫૬૯ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૯૩,૧૭,૧૭,૧૯૧ કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૦,૧૭,૭૫૩ કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે.
મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૨ લાખ ૨૫ હજાર ૨૨૧ લોકો સાજા પણ થઇ ચૂક્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૯૬૩ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૪૦,૨૨૧ એક્‍ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ ૯૭.૯૦ ટકા થયો છે. અત્‍યાર સુધીમાં કુલ ૪,૫૦,૧૨૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૭ ઓક્‍ટોબર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૮,૦૦,૪૩,૧૯૦ કોરોના સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૩,૮૫,૭૦૬ સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૨૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજયમાં કુલ મૃત્‍યુઆંક ૧૦૦૮૫ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૪,૭૨,૭૩૯ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરવામાં આવ્‍યું છે. અત્‍યાર સુધીમાં ૬,૩૩,૨૮,૭૦૧ ડોઝ કોરોના વેક્‍સીનના આપવામાં આવ્‍યા છે.

 

(11:49 am IST)