Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કોલકત્તામાં સાડીવાળી દુર્ગામૂર્તિઓ અને સોનાની આંખો આકર્ષણનું કેન્દ્ર

કલકત્તામાં દુર્ગાપૂજાનો મહોત્સવ નજીક આવી રહ્યો છેઃ પંડાલ અને દુર્ગાદેવીની મૂર્તિઓને સજાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે

કોલકત્તા, તા.૮: કલકત્તાના ભકતો દર વર્ષે દુર્ગાપૂજાના મહોત્સવ માટે નવી-નવી થીમ્સ શોધી લાવતા હોય છે. આ વર્ષે બંધુમહલ કલબની બે ભવ્ય દુર્ગામાતાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ કે એક મૂર્તિની આંખો સોનાની બનાવવામાં આવી છે, તો બીજી મૂર્તિની સાડી સોનેથી મઢેલી છે.

બંધુમહલ કલબના પ્રમુખ કાર્તિક ઘોષ જણાવે છે કે 'સાડીમાં આશરે ૬ ગ્રામ જેટલું સોનું વપરાયું છે, તો બીજી મૂર્તિની આંખની બનાવટમાં ૧૦થી ૧૧ ગ્રામ સોનું છે. એનો ખર્ચ આશરે ૧.૫ લાખ રૂપિયા જેટલો થયો છે. આ આખો પંડાલ નિર્માણ કરવા પાછળ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

આ ઉપરાંત જાણીતા મૂર્તિકાર અરુણ પૈનું ગયા વર્ષે અવસાન થયું હતું. તેમને અંજલિ સ્વરૂપે પંડાલમાં તેમનો સ્ટુડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે. પંડાલની પીઆર ટીમનાં ડિરેકટર દીપન્વિતા બક્ષીએ ઉમેર્યું હતું કે મહોત્સવ પૂરો થઈ જશે એ પછી આ સોનું જરૂરિયાતમંદ દીકરીઓને તેમનાં લગ્ન માટે દાન કરી દેવામાં આવશે.

સરકાર દ્વારા કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તહેવાર માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જે પ્રમાણે પંડાલ ચારે તરફથી ખુલ્લા હોવા જોઈએ એવી સૂચના છે.

(2:57 pm IST)