Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મારિયા રેસા-મરાતોવને નોબેલનો શાંતી પુરસ્કાર

બે પત્રકારોને વિશ્વનું સૌથી સર્વોચ્ચ સન્માન : બંને પત્રકારે ફિલિપાઈન્સ અને રશિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે સાહસિક લડત લડી હતી

ઓસ્લો , તા.૮ : ફિલિપાઈન્સના મારિયા રેસા અને રશિયાના દમિત્રી મુરાતોવને વર્ષ ૨૦૨૧નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંને પત્રકાર છે. તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે કરાયેલા પ્રયત્નો માટે શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

નોબેલ કમિટીએ કહ્યું કે અભિવ્યક્તિની આઝાદી માટે બંનેના પ્રયત્નો જોતા આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અભિવ્યક્તિની આઝાદી કોઈ પણ લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ શરત છે. નોબેલ કમિટીએ બંનેના પ્રયત્નોને ખુબ  બિરદાવ્યા. કમિટીએ કહ્યું કે બંને પત્રકારોએ ફિલિપાઈન્સ અને રશિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે સાહસિક લડત લડી.

અત્રે જણાવવાનું કે કુલ ૩૨૯ ઉમેદવારોમાંથી મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૧ માટે પસંદ કરાયા છે. આ વર્ષે ઉમેદવારોમાં જળવાયુ કાર્યકરો ગ્રેટા થનબર્ગ, મીડિયા રાઈટ ગ્રુપ રિપોર્ટસ વિધાઉટ બોર્ડર્સ (આરએસએફ) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) સામેલ હતા.

નોબેલ શાંતિ પુરસ્કાર કોઈ એવા સંગઠન કે વ્યક્તિને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારા અને બંધુત્વને વધારવા માટે સર્વશ્રેષ્ઠ કામ કર્યું હોય. ગત વર્ષે આ પુરસ્કાર વિશ્વ ખાદ્ય કાર્યક્રમને આપવામાં આવ્યો હતો. જેની સ્થાપના ૧૯૬૧માં વિશ્વ ભરમાં ભૂખમરાને પહોંચી વળવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડ્વાઈટ આઈઝનહાવરના નિર્દેશ પર કરાઈ હતી.

રોમથી કામ કરનારી સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીને વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયત્નો બદલ આ પુરસ્કાર અપાયો હતો. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હેઠળ એક ગોલ્ડ મેડલ અને એક કરોડ સ્વીડિશ ક્રોનર (૧૧.૪ લાખ ડોલરથી વધુ રકમ) અપાય છે.

(8:55 pm IST)