Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આશિષ મિશ્રા હાજર ન થયો, નેપાળ ભાગી ગયાની શક્યતા

ખીરીમાં ખેડૂતોને કચડી નાખવાનો કેસ : ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોને કચડનારી થાર અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ ચલાવતો હતો

લખીમપુર ખીરી , તા.૮ : આશિષ મિશ્રા ઉર્ફે મોનુને ઉત્તરપ્રદેશના કેટલાક લોકો જ ઓળખતા હતા. મોનુ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. એક સમયે નિગાસન વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટનો દાવો કરી રહેલા આશિષ મિશ્રાને કેટલાક સ્થાનિક લોકો જ ઓળખતા હતા. જો કે, આજે આખો દેશ તેને ઓળખવા લાગ્યો છે, પરંતુ આ તસવીર હીરોની નહીં પણ ખલનાયકની બની ગઈ છે. લખીમપુરની ઘટનામાં આશિષ ૧૦ વાગ્યા સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવાનો હતો, પરંતુ તે હવે આવ્યો નથી.

લખીમપુર ખીરીમાં ગાડીઓના કાફલાએ પ્રદર્શનકારી ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ કાફલામાં થાર સૌથી આગળ ચાલી રહી હતી. પહેલા થાર ખેડૂતોને કચડીને આગળ વધી અને પછી પાછળથી અન્ય બે વાહનો પણ નીકળ્યા. ખેડૂતોનો આરોપ છે કે આ થાર અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ ચલાવી રહ્યા હતો.

વિપક્ષથી લઈને ખેડૂતોના સંગઠનો અને સ્થાનિક લોકો આશિષ મિશ્રા ઉર્ફે મોનુની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. પીડિતોના પરિવારોએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી મોનુની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેમને ન્યાય નહીં મળે. અહીં કેટલીક ચેનલો દાવો કરે છે કે આશિષ મિશ્રા ધરપકડ ટાળવા માટે નેપાળ ભાગી ગયો છે. આશિષ મિશ્રાની સંપૂર્ણ કુંડળી વાંચકોએ જાણવા જેવી છે.

આશિષ મિશ્રા કેન્દ્રીય મંત્રીના નાના પુત્ર છે. વર્ષ ૨૦૧૨માં તેમના પિતાને વિધાનસભાની ટિકિટ મળ્યા બાદ તે રાજકારણમાં સક્રિય થયો. આ સાથે તે પિતાના પેટ્રોલ પંપ અને ચોખા મિલ વગેરેનો વ્યવસાય પણ જોતો હતો.

આશિષ મિશ્રા કેવી રીતે તેમના પિતાની છત્રછાયા હેઠળ ભાજપના મોટા નેતાઓની નજીક આવ્યા, તે તેના ફેસબુક એકાઉન્ટ તપાસ કરતા જાણી શકાય છે. જો તમે તેની ફેસબુક પોસ્ટ પર નજર નાખો તો ૨૦૧૮ પહેલા આશિષ સામાન્ય રીતે તેના પિતાનું કામ શેર કરતો હતો. ધીરે ધીરે તે માત્ર ભાજપના નેતાઓની નજીક જ નહીં, પણ આ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટના મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યો.

જિલ્લા પંચાયત સભ્ય તરીકે રાજકીય સફર શરૂ કરનાર અજય મિશ્રા ટેનીને ૨૦૧૨માં લખીમપુર ખીરીની નિગાસન બેઠક પરથી ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. તે સમયે તેમના ચૂંટણી પ્રચારની જવાબદારી તેમના પુત્ર આશિષ મિશ્રાએ સંભાળી હતી.

બંનેની સખત મહેનત અને અજય મિશ્રાની લોકપ્રિયતાને કારણે ભાજપ અહીં જીત્યો હતો પરંતુ સરકાર સપાની બની હતી.

પિતા ધારાસભ્ય બન્યા બાદ આશિષ મિશ્રાનો આ વિસ્તારમાં દરજ્જો વધ્યો.

 ધારાસભ્ય તરીકે અજય મિશ્રાની કામગીરીને જોતા, કેન્દ્રીય નેતૃત્વએ તેમનામાં વિશ્વાસ મૂક્યો અને ૨૦૧૪માં તેમને લખીમપુરથી સાંસદની ટિકિટ આપવામાં આવી. આ વખતે પણ પુત્ર આશિષે ચૂંટણી પ્રચારનો હવાલો સંભાળ્યો અને પિતાને લોકસભા સુધી પહોંચવામાં મદદ કરી.

બે ચૂંટણીમાં તેના પિતાને ટેકો આપીને આશિષે રાજકારણની શક્તિ પણ શીખી લીધી હતી. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અજય મિશ્રાએ તેમના પુત્ર માટે ટિકિટ માંગી, પરંતુ કઈંક કારણોસર વાત ન બની. જોકે, આશિષ નિગાસનમાં સતત સક્રિય રહ્યો.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અજય મિશ્રા ટેનીને ફરી એક વખત લોકસભાની ચૂંટણી માટે ટિકિટ મળી અને તેઓ જીત્યા. આ વર્ષે જુલાઈમાં તેમને મોદી કેબિનેટ વિસ્તરણમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું અને અજય મિશ્રાને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી, ૨૦૨૨ની ચૂંટણીમાં નિગાસનથી આશિષને ટિકિટ આપવાની શક્યતા વધી ગઈ.

જો તમે આશિષ મિશ્રાની ફેસબુક પ્રોફાઇલ પર નજર નાખો તો તેઓ તેમના ક્ષેત્રમાં સતત સક્રિય રહ્યા છે. તેઓ નિગાસનમાં દરેક નાના -મોટા કાર્યક્રમોમાં સામેલ રહ્યા છે. તાજેતરમાં સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

(7:11 pm IST)