Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સત્તા જવાના ડરે જિનપિંગ બે વર્ષથી ચીન બહાર જતા નથી

જિનપિંગે ૨૦૨૦માં મ્યાનમારની મુલાકાત લીધી હતી : ભારતના સ્ટ્રેટેજિક એક્સપર્ટે કહ્યું, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં સત્તા માટે આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે

બેઈજિંગ, તા.૮ : કોરોના વાયરસના કહેરની શરૂઆત થઈ તે પછી હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. વિવિધ દેશો વચ્ચે હવાઈ સેવાઓ પણ શરૂ થઈ છે. જોકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે વર્ષથી દેશની બહાર ગયા નથી. છેલ્લે તેમણે ૨૦૨૦માં જાન્યુઆરી મહિનામાં મ્યનમારની મુલાકાત લીધી હતી. એ પછી ચીનમાં કોરોનાનો કહેર વધ્યો હતો અને કોરોના દુનિયાના બીજા દેશોમાં પણ પ્રસરવાનુ શરૂ થયુ હતુ.

દરમિયાન ભારતના સ્ટ્રેટેજિક એક્સપર્ટ બ્રહ્મ ચેલાનીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, કેટલાક રિપોર્ટ એવુ કહી રહ્યા છે કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં સત્તા માટે આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. જો આ અહેવાલ સાચા હોય તો ચીનમાં માત્ર એક જ વ્યક્તિના શાસનનો યુગ ચાલતો હોવા છતા એવુ કહી શકાય કે જિનપિંગ સર્વશક્તિમાન અને અજેય તો નથી જ. ચીનમાં પણ તેમણે ખાસા એવા દુશ્મનો બનાવ્યા છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, મહત્વની વાત એ છે કે, જિનપિંગે બે વર્ષથી ચીન છોડ્યુ નથી.

તેમણે આડકતરી રીતે એવો સવાલ ઉઠાવ્યો છે કે, શું જિનપિંગને તખ્તા પલટનો ડર સતાવી રહ્યો છે અને તેના કારણે તેઓ દેશની બહાર જવ માટે તૈયાર નથી?

ઉલ્લેખનીય છે કે, ચીન માટે આંતરિક સ્થિતિની સાથે સાથે બાહ્ય પડકારો પણ છે. કારણકે ચીનનો જાપાન, ભારત અ્ને તાઈવાન સાથે હાલમાં તનાવ ચાલી રહ્યો છે. ચીન તો તાઈવાનને વારંવાર યુધ્ધ વિમાનો મોકલીને ડરાવી રહ્યુ છે.

(8:55 pm IST)