Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઓમિક્રોનના કેસ બાદ દિલ્હી સરકાર એલર્ટ :વિદેશથી આવેલા પ્રવાસીઓના ફરી વખત કરાશે RT-PCR ટેસ્ટ

ઓમિક્રોન વેરિઅન્ટથી અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ ફરી શરૂ થશે: નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ 7 દિવસ ઘરે રહેવું પડશે

નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ બુધવારથી ફરી શરૂ થશે. આ અંગે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય સચિવે સોમવારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા તબીબી અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. જેમાં ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને વિદેશથી આવતા પ્રવાસીઓ પર દેખરેખ વધારવાની સૂચના આપવામાં આવી છે.

બેઠકમાં હાજર એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરથી વિદેશથી દિલ્હી એરપોર્ટ આવેલા તમામ મુસાફરો કોવિડના નેગેટિવ રિપોર્ટ સાથે ઘરે ગયા છે, તેમનો કોવિડ ટેસ્ટ આઠમા દિવસે ફરીથી કરવામાં આવશે. તે પહેલા ઘરે જવાના બીજા દિવસે અને પાંચમા દિવસે પણ એક ટીમ તેમની તબિયત જોવા જશે.

આ સાથે ટીમ એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહે. આઠમા દિવસે, જો RTPCR ટેસ્ટ ફરી નેગેટિવ આવે છે, તો પણ તેણે સાત દિવસ ઘરે રહીને તેનું સ્વાસ્થ્ય તપાસવું પડશે.

(11:45 pm IST)