Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બાળકોને ઓમિક્રોનથી સુરક્ષીત રાખવા માટે વડીલોએ પડશે નિયમો પર ખાસ ધ્યાન: ડોકટરોએ આપી સલાહ

બાળકોની આસપાસ જો બધા 18 વર્ષથી ઉપરના લોકો વેક્સીનેટેડ હશે અને કોરોનાના નિયમોનું પાલન કરશે, તો બાળકોને પણ સુરક્ષિત રાખી શકીશું

નવી દિલ્હી :કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ વાયરસના ફેલાવાને રોકવા માટે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ કોરોનાના તમામ નિયમોનું પાલન કરવું પડશે. બીજી તરફ રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલના પેડિયાટ્રિક્સના એસોસિયેટ ડાયરેક્ટર ડૉ. નીતિન વર્માનું કહેવું છે કે આ સમયે માત્ર બાળકો જ સંવેદનશીલ હોય છે. જો ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ફેલાશે તો બાળકોને વધુ જોખમ રહેશે.

 

બાળકોની રસીના મુદ્દા પર વાત કરતા ડૉ. વર્માએ કહ્યું કે અમારી પાસે કેટલીક રસી છે જેને મંજૂરી મળી ગઈ છે. વિશ્વભરમાં 5 વર્ષ સુધીના બાળકોને રસી આપવાનું શરૂ થયું છે. આ સ્થિતિમાં દેશમાં જેમ જેમ બાળકોને રસી આપવાનું શરૂ થશે, આપણે સૌથી પહેલા શક્ય તેટલા બાળકોને રસી આપીને સુરક્ષીત કરવા પડશે. ડોક્ટરનું કહેવું છે કે, બાળકોની આસપાસ જો બધા 18 વર્ષથી ઉપરના લોકો વેક્સીનેટેડ હશે અને કોરોનાના નિયમોનું પાલન કરશે, તો આપણે આપણા બાળકોને પણ સુરક્ષિત રાખી શકીશું.

 

સર ગંગા રામ હોસ્પિટલના વરિષ્ઠ બાળરોગ નિષ્ણાંત ધીરેન ગુપ્તાએ કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી કેટલાક ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે, જેમાં ઓમિક્રોનના કારણે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ડો. ગુપ્તાએ કહ્યું કે, રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન કરીને જ આપણે આ વાયરસને આપણા ઘરમાં પ્રવેશતા અટકાવી શકીએ છીએ.

ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આદિત્ય ઠાકરેએ  કેન્દ્ર સરકારની સામે તેમની કેટલીક માંગણીઓ મૂકી હતી. આદિત્ય ઠાકરેએ આ સંદર્ભમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખ્યો છે. તેમણે રસીકરણ માટેની વય મર્યાદા 18 થી ઘટાડીને 15 કરવાની ભલામણ કરી હતી. ઉપરાંત, આરોગ્ય કર્મચારીઓને રસીના બૂસ્ટર ડોઝ આપવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે રસીના બે ડોઝ વચ્ચેના અંતરને ઘટાડવાની પણ માગ કરી હતી.

આદિત્ય ઠાકરેએ લખ્યું કે, “કોરોના યોદ્ધાઓ અને આરોગ્ય કર્મચારીઓ કે જેમણે આ વર્ષની શરૂઆતમાં એન્ટિ-કોરોના રસીના બંને ડોઝ લીધા છે, તેમને ત્રીજો ડોઝ (બૂસ્ટર ડોઝ) આપવાની મંજૂરી આપો. આ સિવાય અલગ-અલગ ડોક્ટરો સાથેની ચર્ચામાં એ નિષ્કર્ષ પર આવ્યા છે કે કોરોના રસીકરણ માટે લઘુત્તમ વય મર્યાદા 18ને બદલે 15 હોવી જોઈએ. જો આમ કરવામાં આવે તો હાઈસ્કૂલ અને જુનિયર કોલેજોમાં ભણતા લોકોને કોરોનાથી રક્ષણ મળી શકે છે.”

(12:10 am IST)