Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

નવેમ્બરમાં સ્થાનિક હવાઈ યાત્રીઓનો આંકડો એક કરોડને પાર:હવે ઓમિક્રોન આપશે આંચકો

કોરોના વાયરસ મહામારી શરૂ થયા પછી પ્રથમ વખત મુસાફરોનો આંક એક કરોડથી વધ્યો

 

નવી દિલ્હી :કોરોના મહામારી શરૂ થયા પછી પ્રથમ વખત, નવેમ્બરમાં સ્થાનિક હવાઈ યાત્રીઓનો આંકડો એક કરોડને વટાવી ગયો છે. આ માહિતી આપતા, રેટિંગ એજન્સી ICRAએ ચેતવણી આપી છે કે કોવિડ-19ના નવા વેરીઅન્ટ ઓમિક્રોનને કારણે આ સેક્ટરમાં આવેલી તેજી અને સુધારાની ગાડી પાટા પરથી ઉતરી શકે છે. ગયા વર્ષે માર્ચમાં મહામારી શરૂ થઈ ત્યારથી ઉડ્ડયન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.

ફેબ્રુઆરી, 2020 માં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 1.23 કરોડ હતી. બે મહિનાના પ્રતિબંધ પછી સ્થાનિક રૂટ પર ફ્લાઇટ્સ ફરી શરૂ થયા બાદ, જૂન 2020 માં હવાઈ મુસાફરોની સંખ્યા 19.84 લાખ રહી હતી. સ્થાનિક હવાઈ ટ્રાફિકમાં સુધારો આ વર્ષે માર્ચ સુધી ચાલુ રહ્યો હતો. પરંતુ મહામારીની બીજી લહેર પછી, મે 2021 માં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા ઘટીને 21.15 લાખ થઈ ગઈ.

 

ICRAએ જણાવ્યું કે સુધારાના બીજા તબક્કામાં નવેમ્બર, 2021માં સ્થાનિક હવાઈ મુસાફરોની માગ 1.04 થી વધીને 1.05 કરોડ થઈ. એક વર્ષ પહેલા આ જ મહિનામાં આ આંકડો 63.54 લાખ હતો. ICRA અનુસાર, નવેમ્બરમાં મહિના દર મહિનાના આધારે સ્થાનિક હવાઈ મુસાફરોમાં 15-16 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2021માં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા 89.8 લાખ હતી.

માસિક ધોરણે, નવેમ્બર મહિનામાં પ્રસ્થાનોમાં લગભગ 12 ટકાનો વધારો થયો હતો. નવેમ્બર મહિનામાં દરરોજ સરેરાશ 2700 ફ્લાઈટ પ્રસ્થાન કરતી હતી. નવેમ્બર 2020માં આ આંકડો 1806 ફ્લાઇટનો હતો. ઓક્ટોબર મહિનામાં આ આંકડો 2400 ફ્લાઈટનો હતો.

નવેમ્બર મહિનામાં એક જ ફ્લાઇટમાં મુસાફરોની સરેરાશ સંખ્યા 129 હતી જ્યારે ઓક્ટોબર મહિનામાં આ સંખ્યા 125 હતી. ATFની વધતી કિંમત એવિએશન સેક્ટર સામે મોટો પડકાર છે. વાર્ષિક ધોરણે એટીએફ એટલે કે એર ફ્યુઅલમાં 67.30 ટકાનો વધારો નોંધાયો છે.

ઓક્ટોબર મહિનામાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 70.46 ટકા વધીને 89.85 લાખ થઈ છે. ડીજીસીએના ડેટા અનુસાર, ગયા વર્ષના સમાન મહિનામાં 52.71 લાખ મુસાફરોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા મુસાફરી કરી હતી.

કોરોનાની અસરમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે ટૂંકા અંતરની ફ્લાઈટમાં પણ ખાવા-પીવાની સુવિધાને મંજૂરી આપી છે. કોવિડને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે તમામ ડોમેસ્ટિક ફ્લાઇટમાં ખાવા-પીવાની મજા માણી શકાશે. કોરોનાની બીજી લહેરને જોતા સરકારે 2 કલાકથી ઓછા સમયમાં ફ્લાઇટમાં ભોજનની વ્યવસ્થા બંધ કરી દીધી હતી. હવે આ સિસ્ટમ ફરી શરૂ થવા જઈ રહી છે.

(12:12 am IST)