Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વિશ્વાસથી કામ કરીએ ત્યારે હિમાલય પણ ભારત અને ચીનની મૈત્રી રોકી શકશે નહીં:ચીનના વિદેશમંત્રી વાંગ ચી

ગત વર્ષે કેટલાક પડકારોએ તે તક ગુમાવી દીધી છે છતાં બંને દેશ અવરોધો વટાવી સકારાત્મક રીતે આગળ વધી શકે તેમ છે : ભારતીય રાજદૂત

નવી દિલ્હી : ચીન સ્થિત ભારતીય રાજદૂત વિક્રમ મિસરી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં ચીનના વિદેશમંત્રી વાંગ ચીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, સરહદે પ્રવર્તતી તંગદિલી હવે ઘટી જશે.વાંગે તે બેઠકમાં કહ્યું હતું કે આપણે પરસ્પરને સમજવા જોઈએ. ખોટા નિર્ણયો ન લેવા જોઈએ. આપણે લાંબા સમયનો વિચાર કરવો જોઈએ. અસ્થાયી બાબતોથી વિચલિત થવું ન જોઈએ. ભારત અને ચીને એકબીજાને સફળ થવામાં સહાયભૂત થવું જોઈએ. એક-બીજાને થકવી દેવા ન જોઈએ.

સાઉથ-ચાઈના મોર્નિંગ પોસ્ટનો અહેવાલ જણાવે છે કે વાંગે કહ્યું હતું કે, 'જ્યારે આપણે એક-બીજા સાથે વિશ્વાસથી કામ કરીએ, ત્યારે હિમાલય પણ આપણી મૈત્રી રોકી શકશે નહીં.' પરંતુ એક વખત વિશ્વાસ ઊઠી જાય ત્યારે પહાડનો ખૂણો પણ આપણને સાથે જવામાં પર્યાયી ન બનાવી શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે ચીન અને ભારતે એકબીજાને ખોટા ઠરાવવાને બદલે પારસ્પરિક સમજ વધારવી જોઈએ.

આ બેઠકમાં મિસરીએ કહ્યું હતું કે ગત વર્ષે ઉપસ્થિત થયેલા કેટલાક પડકારોએ વિશાળ તકો ગુમાવી દીધી હતી. આમ છતાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશ વર્તમાન અવરોધોને દૂર કરી સંબંધોને સકારાત્મક દિશામાં આગળ લઈ જઈ શકશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી મિસરીનો કાર્યકાળ આ મહિનામાં (ડીસેમ્બરમાં) પૂરો થાય છે. પરંતુ, તેઓના સ્થાને નવા રાજદૂતની જાહેરાત હજી કરાઈ નથી.

તે સર્વવિદિત છે કે લડાખ સ્થિત એલએસી ઉપર એપ્રિલ ૨૦૧૯થી બંને દેશો વચ્ચે તંગદિલી વ્યાપી રહી છે. જૂન ૨૦૨૦માં તે વિરોધે હિંસકરૂપ પણ લઈ લીધું હતું. જેમાં બંને પક્ષોના સૈનિકોનાં મૃત્યુ પણ થયા હતા. આ ઘટના પછી બંને દેશોએ એલએસી તથા સરહદ ઉપર સૈન્ય સંખ્યા વધારી દીધી છે. તે પછી મંત્રણાઓના કેટલાયે દોર થયા પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી.

(12:17 am IST)