Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બેદરકારી રખાશે તો દેશમાં કોરોનાની ત્રીજી વેવનો ખતરો

દેશમાં ઓમિક્રોનના કેસ ૨૩ પર પહોંચી ગયા : બુસ્ટર ડોઝ અને ૧૨-૧૮ વર્ષની ઉંમરના લોકોને રસી મળે તે અંગે સરકાર ઝડપથી વિચાર કરે તેવો પણ અનુરોધ આઈએમએએ કર્યો

નવી દિલ્હી, તા.૭  : ભારતમાં આવેલા ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા વધીને ૨૩ પર પહોંચી ગઈ છે અને હજુ પણ આ આંકડામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે પ્રકારે ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે કેટલો ખતરનાક સાબિત થશે તે અંગે હજુ વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓમિક્રોનની ફેલાવાની ગતિને જોતા ભારત કોરોનાને જે રીતે હરાવી રહ્યું છે અને સામાન્ય સ્થિતિ બની રહી છે તેવામાં બેદરકારી ત્રીજી લહેરનું કારણ બની શકે છે. જોકે, હજુ સુધી દુનિયામાં દેખાયેલા ઓમિક્રોન વેરિયન્ટના કારણે કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું નથી. આ સાથે બુસ્ટર ડોઝ અને ૧૨-૧૮ વર્ષની ઉંમરના લોકોને રસી મળે તે અંગે સરકાર ઝડપથી વિચાર કરે તેવો પણ અનુરોધ આઈએમએએ કર્યો છે. આઈએમએ સંગઠને બેદરકારીના કારણે ઓમિક્રોન વેરિયન્ટ વધારે ગંભીર સાબિત થવાની આશંકા વ્યક્ત કરી છે.

                આઈએમએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલના વૈજ્ઞાનિક રિસર્ચ અને તેની ઉત્પત્તિવાળા દેશો સાથે જોડાયેલા અનુભવોથી ખ્યાલ આવે છે કે ઓમિક્રોન વધારે ઝડપથી ફેલાય છે અને વધારેમાં વધારે લોકોને પોતાના સકંજામાં લઈ શકે છે. સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, એવા સમયે કે જ્યારે ભારત દેશ સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહ્યો છે, આ મોટો ઝાટકો સાબિત થઈ શકે છે. જો પુરતા ઉપાય કરવામાં ના આવ્યા તો આપણે મહામારીની ભયંકર ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. આઈએમએ દ્વારા સરકારને સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર અને ગંભીર બીમારીઓથી પીડાતા વ્યક્તિઓ માટે કોરોનાના બૂસ્ટ ડોઝ અંગે નિર્ણય લેવા માટે સૂચન કર્યું છે. અશોક વિદ્યાલયના ભૌતિક અને જીવ વિજ્ઞાનના પ્રોફેસર ગૌતમ મેનને કહ્યું કે તેમને લાગે છે કે, સૌથી જરુરી મોટાભાગની વસ્તીને પહેલો અને બીજો ડોઝ મળી જાય તે જરુરી છે. ડબલ ડોઝ કુલ વસ્તીના ૮૦-૯૦% લોકો સુધી પહોંચે તે પ્રાથમિકતા હોવી જોઈએ. આ પછી બૂસ્ટર ડોઝ પર વાત થઈ શકે છે. તેમણે આગળ જણાવ્યું કે, મને લાગે છે કે બૂસ્ટર ડોઝ ખરેખર એ લોકો માટે પ્રાથમિકતા છે કે જેઓને સ્વાસ્થ્યકર્મીઓની જેમ જલદી ડોઝ આપવામાં આવ્યા છે. આ ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે છે, જેઓ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. પરંતુ બાકી વસ્તી માટે રાહ જોઈ શકાય તેમ છે.

(12:00 am IST)