Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સુહાગરાતમાં પતિએ રાખી એવી શરત કે વાત પહોંચી છુટાછેડા સુધી, ઘર વસે તે પહેલા જ તૂટી ગયું

હનીમૂન મનાવવાના બદલે મહિલા કોર્ટ અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા મજબુર

પોટકા,તા.૮: ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. બેંકના અધિકારી પતિએ સુહાગરાતના દિવસે નવી દૂલ્હન સમક્ષ એવી શરત રાખી દીધી કે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો છે. દૂલ્હનનું ઘર વસે તે પહેલા જ વિખેરાઇ ગયું છે. લગ્નની પ્રથમ રાત્રે જ પતિની અજીબોગરીબ શરત સાંભળીને મહિલા પોલીસ પાસે પહોંચી ગઈ છે. લગ્ન પછી હનીમૂન મનાવવાના બદલે મહિલા કોર્ટઅને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા મજબૂર છે.

આ ઘટના પૂર્વી સિંહભૂમ જિલ્લાના પોટકા સ્ટેશન ક્ષેત્રની છે. અહીં એક ગામની યુવતીના લગ્ન ૧૮ જૂન ૨૦૧૮ના રોજ પરસુડીહના રહેવાસી એક વ્યકિત સાથે હિન્દુ રિતી રિવાજ સાથે થયા હતા. વ્યકિત એમબીએનો અભ્યાસ કર્યા પછી લખનઉ સ્થિત એક બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરની નોકરી કરી રહ્યો હતો. મહિલાએ જણાવ્યું કે લગ્ન પછી સુહાગરાત દરમિયાન પતિએ તેની સામે ૨ વર્ષમાં આઈએએસ બનવાની શરત રાખી હતી. મહિલાનો આરોપ છે કે તેના પતિએ કહ્યું કે જો તે આવું નહીં કરે તો બન્ને વચ્ચેનો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ખતમ થઇ જશે. શરૂઆતમાં આ વાત મહિલાને મજાક લાગી. પીડિતાનું કહેવું છે કે આગામી સવારે તેનો પતિ ઇન્ટરવ્યૂ આપવાની વાત કહીને દ્યરેથી નીકળ્યો અને તે પછી પાછો આવ્યો નથી.

પીડિતાનું કહેવું છે કે આ પછી તેના પતિએ કયારેય તેની સાથે ફોન પર વાત કરી નથી. જયારે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો આરોપી પતિએ ના પાડી દીધી હતી. હિન્દુસ્તાનમાં પ્રકાશિત ખબર પ્રમાણે મહિલાએ જણાવ્યું કે માતા-પિતાની પ્રતિષ્ઠાના કારણે તે ચૂપ રહી હતી. બીજી તરફ સાસરિયાના લોકો પણ તેને મેણા ટોણા મારતા હતા. આ દરમિયાન તેના પતિએ કોર્ટમાં તલાકની અરજી દાખલ કરી દીધી છે. આ જાણીને પીડિતાને ઘણો ધ્રાસકો પડ્યો હતો. તલાકની નોટિસ મળ્યા પછી મહિલા દ્યણી તણાવમાં છે. પીડિતા અભ્યાસ કરી રહી છે જેથી તે અલગ ધ્યેય મેળવી શકે અને પતિને સજા પણ આપી શકે.

પીડિતાના પિતાએ કહ્યું કે યુવક ભણવામાં હોશિયાર હતો અને બેંકમાં નોકરી પણ કરતો હતો. આ જોઈને પોતાની પુત્રીના લગ્ન તેની સાથે કરાવ્યા હતા. પુત્રીના પિતાનું કહેવું છે કે તેના જમાઇએ તેની પુત્રીનું જીવન બર્બાદ કરી નાખ્યું છે. તે ઇચ્છે છે કે તેની પુત્રીનું ઘરે સારી રીતે ચાલે.

(9:52 am IST)