Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બુલેટ પર ફિલ્મી સ્ટાઈલમાં કલર કરવો ભારે પડ્યોઃ ટ્રાફિક પોલીસે પકડાવ્યો ૯,૦૦૦નો મેમો

ફિલ્મી સ્ટાઈલમાં ગીત ગાતા ગાતા, હેલમેટ પહેર્યા વગર બુલેટ બાઈક ચલાવવું કાનપુરના એક યુવકને ભારે પડી ગયું

કાનપુર,તા.૮: કેટલાંક લોકો મોંધી બાઈક લઈને નીકળે તો તેઓનો એટીટ્યૂડ બદલાઈ જતો હોય છે. તો કેટલાંક લોકો બાઈક પર ફિલ્મી સ્ટાઈલ પણ કરતા હોય છે. આવા કેટલાંક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે. થોડા દિવસો પહેલાં કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી હતી. ત્યારે કાનપુરના એક યુવકનો ગુટખા ખાતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. હવે મંગળવારે એક ફિલ્મી સ્ટાઈલમાં ગીત ગાતા જતા, હેલમેટ પહેર્યા વિના બુલેટ બાઈક ચલાવતા કાનપુરના એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે આંખો લાલ કરી હતી. ટ્રાફિક પોલીસે આ યુવકને ૯,૦૦૦નો મેમો ફટકાર્યો હતો. સાથે જ વ્હીકલ એકટની ૪ કલમ હેઠળ નોટિસ પણ મોકલી દીધી હતી.

ટ્રાફિક પોલીસે આ મેમો મસવાનપુર નિવાસી ખાલિદ અહમદને ફટકાર્યો હતો. આ યુવક બુલેટ બાઈક પર ગીત ગાતા જઈ રહ્યો હતો. એટલું જ નહીં તે ફિલ્મી સ્ટાઈલમાં હતો અને હેલમેટ પણ નહોતુ પહેર્યું. આ યુવક બુલેટ હાઉસિંગ ડેવલપમેન્ટના રસ્તા પર ચલાવી રહ્યો હતો. યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ટ્રાફિક પોલીસે આ યુવકને ઓનલાઈન મેમો ફટકાર્યો હતો. સાથે જ પોલીસે યુવકને ત્રણ દિવસમાં દંડ ભરવા માટે સૂચના પણ આપી છે.

તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક શખ્સે ટ્વિટ કરતા સવાલ કર્યો કે, એકદમ ખોટુ થયુ આ ભાઈ સાથે. ફિલ્મવાળાઓને પણ મેમો મળશે કે નહીં? તો અન્ય એક યૂઝરે લખ્યું કે, કોઈ બહાને યુવક પ્રખ્યાત થઈ ગયો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અધિકારી વિનોદ યાદવે જણાવ્યું કે, પોલીસે એપ્રિલ મહિનામાં યુવકને મેમો ફટકાર્યો હતો. સોશિયલ મીડિયા પરથી વીડિયો પણ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. તો પછી આ વીડિયો કેવી રીતે વાયરલ થયો એ અંગે કંઈ પણ કહી શકાય એમ નથી.

(9:53 am IST)