Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બિટકોઇનની વાત છૂપાવશો તો ભરવો પડશે ૨૦ કરોડ રૂપિયા દંડ કે દોઢ વર્ષની જેલ જશે

સરકાર સંસદના શિયાળુ સત્રમાં તે અંગે એક બિલ લાવવાની તૈયારીમાં છે : ક્રિપ્ટોકરન્સીઝને ફાઇનાન્શિયલ એસેટ્સ તરીકે કલાસીફાઇ કરવામાં આવી શકે છે : સરકાર નાના રોકાણકારોના હિતોના રક્ષણ માટે ક્રિપ્ટોમાં રોકાણની સમયમર્યાદા નક્કી કરે તેવી શકયતા છે

નવી દિલ્હી,તા.૮ : મોદી સરકાર બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીઝ પર નજર રાખવાની જવાબદારી કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરને આપવાનું વિચારી રહી છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. ક્રિપ્ટોને લઈને દેશમાં હાલમાં કોઈ કાયદા નથી. સરકાર સંસદના શિયાળુ સત્રમાં તે અંગે એક બિલ લાવવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, ક્રિપ્ટોકરન્સીઝને ફાઈનાન્શિયલ એસેટ્સ તરીકે કલાસીફાઈ કરવામાં આવી શકે છે.

ક્રિપ્ટો રોકાણકારોએ પોતાની એસેટ્સ જાહેર કરવા અને નવા નિયમોના પાલન માટે સમયમર્યાદા આપવામાં આવી શકે છે. એક સૂત્રએ કહ્યું કે, બિલમાં ક્રિપ્ટોકરન્સીઝને બદલે ક્રિપ્ટોએસેટ્સનો યૂઝ કરવામાં આવી શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાને ૨૦ કરોડ રૂપિયાનો દંડ કે દોઢ વર્ષની સજા થઈ શકે છે. સાથે જ સરકાર નાના રોકાણકારોના હિતોના રક્ષણ માટે ક્રિપ્ટોમાં રોકાણની સમયમર્યાદા નક્કી કરે તેવી શકયતા છે.

આ મામલે ટિપ્પણી માટે નાણા મંત્રાલયના પ્રવકતા સાથે તાત્કાલીક કોઈ સંપર્ક થઈ શકયો નથી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહે કહ્યું હતું કે, સરકારે અગાઉના બિલ પર ફરીથી કામ કર્યું છે. અગાઉના બિલમાં બધી પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીઝ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં બિટકોઈનને કરન્સીના રૂપમાં માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી.

ક્રિપ્ટો એનાલિસ ફર્મ ચેઈનાલિસીસના ઓકટોબરમાં આવેલા એક રિપોર્ટ મુજબ, જૂન ૨૦૨૧ સુધીમાં ગત ૧ વર્ષમાં દેશમાં ક્રિપ્ટો માર્કેટ ૬૪૧ ટકા વધ્યું છે. સરકાર હવે ડિજિટલ કરન્સીઝથી થતી કમાણી પર ટેકસ લગાવવાનું વિચારી રહી છે. સાથે જ વર્યુઅલ કોઈન્સના ટ્રાન્જેકશન પર કડક નિયમો બનાવવાની પણ માંગ ઉઠી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ કરન્સી પર એક સમીક્ષા બેઠક કરી હતી.

(9:54 am IST)