Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને : પેટ્રોલથી વધુ દૂધના ભાવ

મોંઘવારીમાં નેપાળ-ભૂટાન અને શ્રીલંકા જેવા દેશોને પાછળ મૂકી દીધા

નવી દિલ્હી તા. ૮ : તાજેતરમાં, પાકિસ્તાનના એક દૂતાવાસના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન આપવાનો મામલો સામે આવ્યો હતો, જેણે ફરી એકવાર પાકિસ્તાનમાં આર્થિક સંકટની સ્થિતિને ઉજાગર કરી હતી. સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના સત્ત્।ાવાર ટ્વિટર હેન્ડલ પરથી વડાપ્રધાન ઈમરાન ખાનને ટેગ કરીને આ ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ માસથી પગાર ન મળવાના કારણે કર્મચારીઓના બાળકોને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. જોકે, બાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દૂતાવાસનું ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું છે. જો કે, દક્ષિણ એશિયાના દેશોની સ્થિતિનું વર્ણન કરતા આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનનો ફુગાવાનો દર આ સમગ્ર ક્ષેત્રમાં સૌથી વધુ છે.

એશિયન ડેવલપમેન્ટ આઉટલુકના ડેટા અનુસાર, આ વર્ષે પાકિસ્તાનનો ફુગાવાનો દર ૮.૯ ટકા છે, જે આ ક્ષેત્રના આઠ દેશોમાં સૌથી વધુ છે. આ ક્ષેત્રમાં ભારત (૫.૫%), બાંગ્લાદેશ (૫.૬%), ભૂટાન (૮.૨%), અફઘાનિસ્તાન (૫%), માલદીવ (૨.૫%), નેપાળ (૩.૬%) અને શ્રીલંકામાં ફુગાવાનો દર ૫.૧% છે. આ રિપોર્ટ દર્શાવે છે કે આવતા વર્ષે પાકિસ્તાનનો મોંઘવારી દર ઘટશે, પરંતુ તે સ્થિતિમાં પણ તે સમગ્ર દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સૌથી વધુ ફુગાવાવાળો દેશ રહેશે. ૨૦૨૨માં પાકિસ્તાનનો મોંઘવારી દર ૭.૫ ટકા રહેવાનો અંદાજ છે, અન્ય દેશોનો મોંઘવારી દર આના કરતા ઓછો હશે.

પાકિસ્તાન મોંઘવારી દરમાં વધારો, વિદેશી મુદ્રા ભંડાર ઘટવા, ચાલુ ખાતાની ખાધ પર વધતું દબાણ અને પાકિસ્તાની ચલણ 'રૂપિયા'ની બગડતી સ્થિતિથી ઝઝૂમી રહ્યું છે. ગયા વર્ષે ઓકટોબરમાં પાકિસ્તાનમાં તેલની કિંમતોમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. ૨૪ નવેમ્બરે વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે તેમની પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી અને દેવું વધી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં પાકિસ્તાનનું દેવું ૬ હજાર ટ્રિલિયન રૂપિયાથી વધીને ૩૦ ટ્રિલિયન રૂપિયા થઈ ગયું છે.

સરકારી આંકડા મુજબ દેશમાં એલપીજી ગેસ ૨૧૭ રૂપિયા પ્રતિ કિલો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ૨,૫૬૦ રૂપિયા છે જયારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૯,૮૪૭ રૂપિયા પ્રતિ કિલો છે. પેટ્રોલ (૧૪૫.૮૨ પ્રતિ લીટર) અને ડીઝલ (રૂ. ૧૪૨.૬૨ પ્રતિ લીટર)ની પણ આ જ સ્થિતિ છે. રોજીંદી ખાદ્યપદાર્થની આવશ્યક જરૂરિયાત એવા દૂધ અને ખાંડના ભાવ પણ અહીં ખૂબ ઊંચા છે. ગત સપ્ટેમ્બરમાં મહોરમ દરમિયાન કરાચીમાં દૂધ ૧૪૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાતું હતું, જયારે પેટ્રોલની કિંમત તે સમયે ૧૧૩ રૂપિયા પ્રતિ લીટર હતી.

સાઉદીએ મદદનો હાથ લંબાવ્યો આ લોન ૩ બિલિયન યુએસ ડોલરની છે જે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનને આપવામાં આવી છે. સાઉદીની મદદ વિશે માહિતી આપતા સરકારના નાણાકીય સલાહકાર શૌકત તારીને ૫ ડિસેમ્બરે સાઉદી પ્રિન્સ સલમાનનો આભાર માન્યો હતો.

(10:15 am IST)