Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

લખનૌમાં ધારા ૧૪૪ લાગુ કરવાના આદેશ

ઓમિક્રોનની દહેશતના કારણે ફરી પ્રતિબંધોની શરૂઆત :માસ્ક લગાવવા ફરજિયાત વિધાનસભા બહાર ભારે સુરક્ષા

લખનૌ, તા.૮: કોરોનાના નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજયોને પણ સાવધાની વર્તવાની શરુ કરી દીધી છે. અનેક રાજયોમાં સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય થયો તો શહેરમાં પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશ સરકારે પણ મોટું પગલું ભર્યુ છે અને રાજધાની લખનૌમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

લખનૌમાં ક્રિસમસ ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની પાર્ટીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલની કડકાઈથી પાલન કરવું, માસ્ક લગાવવુ અને ૨ ગજના અંતરનુ પાલન કરવું ફરજિયાત હશે. પોલીસે મંગળવારે આને લઈને જારી આદેશમાં કહ્યું કે સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ લખનૌમાં ૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી નિષેદ્યાજ્ઞા લાગૂ રહેશે.   પોલીસ આયુકત ડી. કે. ઠાકુરે જણાવ્યું કે શાસન તરફથી લાગૂ કરવામાં આવેલા કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનુ રહેશે. આ દરમિયાન વિધાન ભવન અને તેની આસપાસ એક કિલોમીટરના દાયરામાં વિશેષ સતર્કતા રહેશે.

નવા નિયમો મુજબ આ વિસ્તારમાં ઈક્કા, તાંગા, આતિશબાજી,  જવલનશીલ પદાર્થને લઈને ચાલવું પ્રતિબંધિત રહેશે. ત્યારે ઓનલાઈન ગતિવિધીઓ પર સાઈબર ક્રાઈમ સેલની બાજ નજર રહેશે. ઓનલાઈન અફવા ફેલાવનારા અને વાંધાજનક પોસ્ટ રાખનારા સામે કડક પગલા ભરવામાં આવશે. આ ઉપરાંત UPSC અને પીએસસી એકઝામથી લઈને કોઈ પણ પ્રકારની સરકારી પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટના ૨૦થી વધારે મામલા સામે આવી ચૂકયા છે અને તેવામાં હજું વધારે સતર્કતા વર્તવામાં આવી રહી છે. આ ઉપરાંત વિશેષજ્ઞોએ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યકત કરી છે અને સરકાર આ નવા વેરિએન્ટને લઈને વધારે સાવધાની વર્તી રહી છે.

(10:50 am IST)