Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મોદી સરકારે દેશની સંપત્તિ વેચી દીધી

કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયાના કેન્દ્ર પર પ્રહાર

નવી દિલ્હી તા. ૮ : સંસદના સેન્ટ્રલ હોલમાં આજે કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાય હતી. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બેઠકને સંબોધિત કરી હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીના તમામ લોકસભા અને રાજયસભા સાંસદોએ ભાગ લીધો છે. બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયાએ કહ્યું કે મોદી સરકારે દેશની સંપત્તિ વેચી દીધી. વધુમાં ઉમેર્યું કે, આંદોલન દરમિયાન બલિદાન આપનારા ૭૦૦ ખેડૂતોનું સન્માન કરીએ.

મોદી સરકાર ખેડૂતો અને સામાન્ય લોકો પ્રત્યે સંવેદનહીન છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં દરેક પરિવારનું માસિક બજેટ વધી રહ્યું છે. બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે અમે સરહદી મુદ્દાઓ પર સંસદમાં સંપૂર્ણ ચર્ચાની માંગ કરીએ છીએ. તે જ સમયે, ૧૨ સાંસદોના સસ્પેન્શન પર, ગાંધીએ કહ્યું કે તે અસ્વીકાર્ય છે. અમે સસ્પેન્ડેડ સાંસદોની સાથે ઊભા છીએ.

રાહુલ ગાંધીએ ટ્વિટ દ્વારા કહ્યું કે મોંઘવારી, બેરોજગારી, કૃષિ સંકટ, ચીનના કબજાના મૂળ એક જ છે - ઘમંડ, મિત્ર-પ્રેમ અને મોદી સરકારની નિષ્ફળતા. અન્યાય સામે અમારો અવાજ ઉઠાવવાની સાથે અમે કોંગ્રેસ શાસિત રાજયોમાં જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યા છીએ - લોકોની વાત સાંભળીએ છીએ.

(3:46 pm IST)