Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

MI-17V-5 હેલિકોપ્ટર આધુનિક સુવિધા ધરાવે છે

ક્રેશ થયેલું હેલિકોપ્ટર રશિયન કંપની કજાનનું હતું : ૩૬ સૈનિકોને સાથે લઈ જઈ શકતા હેલિકોપ્ટરનો ઉપયોગ સૈનિકો, હથિયારોની હેરફેર, પેટ્રોલિંગ માટે કરાય છે

નવી દિલ્હી, તા.૮ : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૪ લોકોને લઈ જતુ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ એમઆઈ-૧૭વી-૫ પ્રકારનું હેલિકોપ્ટર છે અને તે સેનાના ઉપયોગ માટે અત્યંત સક્ષમ મનાય છે.આ હેલિકોપ્ટરનો ઉપયોગ સૈનિકો, હથિયારોની હેરફેર માટે તેમજ પેટ્રોલિંગ અને રેસ્ક્યુ મિશન માટે પણ કરવામાં આવતો હોય છે.ભારતમાં વીવીઆઈપી લોકોની મુસાફરી માટે તેનો ઉપયોગ થતો હોય છે.

એમઆઈ-૧૭વી-૫ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે અને રશિયન કંપની કજાન હેલિકોપ્ટર તેનુ નિર્માણ કરે છે.તેની કેબિન અને બહારનો હિસ્સો માલ સામાનની હેરફેરને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે.

ભારત દ્વારા ૧૨ એમઆઈ-૧૭વી-૫ હેલિકોપ્ટરોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.આ માટે ૨૦૦૮માં ૮૦ હેલિકોપ્ટરોનો સોદો રશિયા સાથે ૧.૩ અબજ ડોલરમાં કરવામાં આવ્યો હતો.૨૦૧૧માં ભારતીય વાયુસેનાને તેની ડિલિવરી મળવા માંડી હતી.૨૦૧૩ સુધીમાં ભારતને આવા ૩૬ હેલિકોપ્ટર મળ્યા હતા.૨૦૧૮માં તેની છેલ્લી ખેપ ભારતને મળી હતી.

એપ્રિલ ૨૦૧૯થી તો આ હેલિકોપ્ટરનુ સમારકામ અને સર્વિસિંગ કરવા માટેનુ સેન્ટર પણ ભારતે સ્થાપી દીધુ હતુ.હેલિકોપ્ટરનુ કેબિન મોટુ છે. એમઆઈ-૧૭વી-૫ને તેના અગાઉના વર્ઝન એમઆઈ-૮ના આધારે ડિઝાઈન કરવામાં આવ્યુ હતુ.

તેની પાછળની તરફ એક રેમ્પ પણ હોય છે.જ્યાંથી સૈનિકો અને માલસામાનની હેરફેર આસાનીથી થઈ શકે છે.ટેક ઓફ સમયે તેનુ મહત્તમ વજન ૧૩૦૦૦ કિલો હોય છે.તે ૩૬ સૈનિકોને એક સાથે લઈ જઈ શકે છે.તેમાં ચાર મલ્ટી ફક્નશન ડિસ્પ્લે, નાઈટ વિઝન ડિવાઈસ, ઓન બોર્ડ વેધર રડાર તેમજ ઓટો પાયલટ સિસ્ટમ સામેલ છે.ભારત માટે ખાસ બનાવાયેલા એમઆઈ-૧૭વી-૫ હેલિકોપ્ટરમાં નેવિગેશન, ઈન્ફર્મેશન ડિસ્પલે પણ સામલે હોય છે.

સંકટ સમયે તેને હથિયારોથી પણ સજ્જ કરી શકાય છે.એસ-૮ રોકેટ, એક મશિન ગન, તેમાં ફિટ કરી શકાય તેમ છે.હેલિકોપ્ટર દુશ્મનો, બખ્તરબંધ વાહનો તેમજ જમીન પરના લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે.કોકપિટ અને બીજા મહત્વના હિસ્સા પર બખ્તરનુ આવરણ ચઢાવાયેલુ છે.તેની બળતણ ટેક્નમાં ફોમ પોલીયુરેથેન ભરવામાં આવે છે.જેથી તેમાં વિસ્ફોટ ના થાય.

હેલિકોપ્ટરમાં જામર પણ છે.આટલી આત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતા એમઆઈ-૧૭વી-૫ હેલિકોપ્ટર ક્રેશ થતા વાયુસેના અને સંરક્ષણ વિભાગની ઉંઘ ઉડી ગઈ છે.

(7:44 pm IST)