Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

લાલ ટોપી યુપીમાં બદલાવનું પ્રતિક છેઃ અખિલેશ યાદવ

વડાપ્રધાને લાલ ટોપીવાળું નેવદન કર્યું હતું : ભાજપ લાલ ટોપી જેવા મુદ્દા એટલા માટે ઉઠાવી રહ્યો છે કે, અસલ મુદ્દા પર ચર્ચા કરવી ન હોવાનો નેતાનો દાવો

લખનૌ, તા.૮ : પીએમ મોદીએ ગોરખપુરની સભામાં અખિલેશ યાદવને નિશાન બનાવીને ગઈકાલે કહ્યુ હતુ કે, લાલ ટોપીવાળાઓને માત્ર સત્તા સાથે મતલબ છે અને તેમને આતંકીઓને જેલમાંથી છોડવા માટે સત્તા જોઈએ છે.

હવે લાલ ટોપી મુદ્દો ચૂંટણી પ્રચારમાં પણ હોટ ટોપિક બની જાય તેમ લાગે છે.સમાજવાદી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો લાલ ટોપી પહેરતા હોય છે ત્યારે પીએમ મોદીના નિવેદન પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ છે કે, યુપીમાં લાલ ટોપી બદલાવનુ પ્રતિક છે.યુપી હવે બદલાવ ઈચ્છે છે.ભાજપ દ્વારા જે પણ વાયદા કરાયા હતા તે માત્ર જુમલા સાબિત થયા છે.ભાજપ સતત લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.શું ખેડૂતોની આવક બમણી કરવાનો કે યુવાઓને નોકરી આપવાનો વાયતો તેમણે પુરો કર્યો છે ખરો....

અખિલેશે કહ્યુ હતુ કે, જે લોકો જનતાની સંપત્તિ વેચી રહ્યા છે તેમને લાલ રંગથી ડર લાગી રહ્યુ છે.પહેલા ભાજપની સરકાર જુમલાની સરકાર હતી હવે વેચવાવાળી સરકાર પણ છે.લાલ ટોપી જેવા મુદ્દાઓ તેઓ એટલા માટે ઉઠાવી રહ્યા છે કે, અસલ મુદ્દાઓ પર તેમને ચર્ચા કરવી નથી.

(8:59 pm IST)