Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હાક છી...મુરાદાબાદમાં છીંક ખાધી'ને વૃધ્‍ધની પાંસળી તૂટી ગઈ

છીંક એટલી જોરથી આવી કે તેમની છાતીમાંથી કંઈક જોરદાર અવાજ આવ્‍યો

મુરાદાબાદ,તા.૮: છીંક આવવાની સાથએ જ વ્‍યક્‍તિની પાંસળી તૂટી જાય આ વાત ખરેખર અવિશ્વસનીય છે, પરંતુ આ સાચી ઘટના છે. છીંક આવવાથી એક વૃદ્ધની પાંસળી તૂટી ગઈ છે. ભોજન કરતી વખતે તેમને છીંક આવી હતી. છીંક એટલી જોરથી આવી કે તેમની છાતીમાંથી કંઈક જોરદાર અવાજ આવ્‍યો. પાંસળી દબાવતા જ દુખાવો વઘી ગયો. આંગળી મૂકે તો પણ દુખવા લાગે. દુખાવો એટલો વધી ગયો હતો કે, પડખું પણ ના ફેરવી શકે. ત્‍યારબાદ તેમણે જિલ્લા હોસ્‍પિટલમાં ડોક્‍ટરની સલાહ લીધા બાદ એક્‍સરે કરાવ્‍યો હતો. તેમાં પાંસળીમાં નાનકડી તિરાડ પડી હોવાનું સામે આવ્‍યું હતું. ડોક્‍ટરની ભાષામાં તેને હેરક્રેક કહેવાય છે.

ઓર્થોપેડિક વિશેષજ્ઞ ડો. શેર સિંહ કક્કડે તેમને છાતી પર પટ્ટો લગાવીને વાંકુ વળવા અને વજન ન ઉપાડવા માટે સલાહ આપી છે. આ સાથે જ ૪૫ દિવસ સુધી આરામ કરવા માટે જણાવ્‍યું છે. જિલ્લા હોસ્‍પિટલના હાડકા વિશેષજ્ઞનું કહેવું છે કે, છીંક આવવાથી પાંસળી તૂટી જાય તેવા કિસ્‍સા બહુ ઓછા જોવા મળે છે. ૭૪૬ મિલિમીટર ઓફ મરક્‍યુરી પ્રેશર કરતાં વધુ પ્રેશર બને તો આવી ઘટના ઘટે છે. તેમણે પૌષ્ટિક ભોજન લેવાની સલાહ આપી છે. જેથી તેમના શરીરને ભરપૂર પોષણ મળી રહે.

ડોક્‍ટરના જણાવ્‍યા પ્રમાણે, ૩૫ વર્ષ પછી શરીરનું વર્ષમાં એકાદવાર તો ચેકઅપ કરાવવું જ જોઈએ. જેથી વિવિધ વિટામિન સહિત કેલ્‍શિયમની માત્રા શરીરમાં કેટલી છે તે જાણી શકાય. આ સાથે જ દૂધ, દહીં, પનીર જેવા કેલ્‍શિયમયુક્‍ત ખોરાક વધુ લેવા જોઈએ. આ સાથે જ તેમણે કહ્યુ હતુ કે, છીંકથી પાંસળી તૂટવાના ઘણાં કારણો હોઈ શકે છે.

વરિષ્ઠ હાડકાંના રોગના નિષ્‍ણાંત ડો. શેર સિંહ કક્કડ કહે છે કે, ચોક્કસ કારણ તો તમામ ચેકઅપ પછી ખબર પડશે. પરંતુ મોટેભાગે કેલ્‍શિયમની ઉણપ, પેથોલોજિકલ કે મલ્‍ટિપલ પરેશાનીને કારણે આ પ્રકારની સમસ્‍યા થઈ શકે છે. તેના માટે દર્દીનું સંપૂર્ણ ચેકઅપ કરવું જરૂરી બને છે.

ઉત્તરપ્રદેશના મેરઠનો એક સીસીટીવી વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વ્‍યક્‍તિને છીંક ખાતો જોઈ શકાય છે. છીંકતા જ તે વ્‍યક્‍તિ નીચે પડી જાય છે. આ સાથે જ તેની સાથે ચાલી રહેલો તેનો મિત્ર તેને નજીકની હોસ્‍પિટલમાં લઈ જાય છે. ત્‍યાં ડોક્‍ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના ઘણાં કિસ્‍સા થઈ ગયા છે, જયાં લોકોને નાચતા કે વાત કરતા મરતા જોવા મળે છે.

(9:52 am IST)