Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

દિલ્‍હીમાં આમ આદમી પાર્ટીના વળતા પાણી?

એમસીડી ચૂંટણીમાં પક્ષના દિગ્‍ગજ નેતાઓના વિસ્‍તારમાં ઉમેદવારો હાર્યા

નવી દિલ્‍હીઃ આમ આદમી પાર્ટીના કદાવર નેતા અને દિલ્‍હી સરકારમાં નાયબ મુખ્‍યપ્રધાન મનીષ સીસોદીયાના વિધાનસભાના ક્ષેત્ર પટપડગંજમાં ભાજપાએ જીતનો ઝંડો લહેરાવ્‍યો છે. ચાર વોર્ડમાંથી ત્રણમાં ભાજપાએ જીત મેળવી છે. જયારે તીહાર જેલમાં બંધ દિલ્‍હી સરકારના જેલપ્રધાન સત્‍યેન્‍દ્ર જૈનના શફરપુર બસ્‍તી વિધાનસભા ક્ષેત્રમાં પણ ભાજપાએ ત્રણ વોર્ડમાં જીત મેળવી છે.

આંકડાઓ પર નજર નાખીએ તો પટપડગંજ વિધાનસભા ક્ષેત્રના મયૂરવિહાર-૨ વોર્ડ નંબર ૧૯૬માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવેન્‍દ્રકુમારને જીત મળી છે. જયારે વોર્ડ નંબર ૧૯૭ પટપડગંજના ભાજપા ઉમેદવાર રેણુ ચૌધરી જીત્‍યા છે. આવીજ રીતે વોર્ડ નંબર ૧૯૮ વિનોદનગરથી ભાજપાના રવિન્‍દ્રસિંહ નેગી અને વોર્ડ નંબર ૧૯૯ મંડાવલીથી ભાજપાની શશિ ચાંદનાની જીત થઇ છે.

વિધાનસભા ચૂંટણીમાં શફરપુર બસ્‍તી વિધાનસભા બેઠક પર સત્‍યેન્‍દ્ર જૈન જીત્‍યા હતા. પણ અહીયા ત્રણેત્રણ વોર્ડ પર ભાજપાની જીત થઇ છે. દિલ્‍હી સરકારમાં પ્રધાન ગોપાલરાય બાબરપુર વિધાનસભા બેઠક પરથી જીત્‍યા હતા. અહી પણ  ભાજપાને ૪ માંથી બે વોર્ડમાં જીત મળી છે. જયારે કોંગ્રેસ અને આપને ૧-૧ બેઠક મળી છે. આવી જ રીતે દિલ્‍હી સરકારમાં પ્રધાન કૈલાસ ગેહલોતના નઝફગઢ વિધાનસભા ક્ષેત્રના ૪ વોર્ડમાંથી ૩માં ભાજપા અને એકમાં અપક્ષ ઉમેદવારો જીત્‍યા છે.

દિલ્‍હી નગર નિગર (એમસીડી) ચૂંટણીમાં સૌથી વધારે મતથી જીત ચાંદની મહલ વોર્ડ પર આપના મોહમ્‍મદ ઇકબાલની થઇ છે. ઇકબાલ ૧૭૧૩૪ મતોથી જીત્‍યા હતા. તો ચિતરંજન પાર્કમાં આપના આશુ ઠાકરે ભાજપાની કંચન ચૌધરીને સૌથી ઓછા માર્જીન ૪૪ મતે હરાવ્‍યા હતા.

(11:25 am IST)