Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

હવે કોરોના વેક્સિન અંગે વોટ્સએપ જાગૃતિ ફેલાવશે

નવું મજેદાર સ્ટીકર પેક લૉંચ કર્યું : વોટ્સએપ મુજબ વિશ્વ આરોગ્ય સંગઠન સાથે મળીને વેક્સિન ફોર ઓલ નામનું સ્ટીકર પેક લોન્ચ કરાઈ રહ્યું છે

નવી દિલ્હી,તા. : ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા મેસેજને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે. દરમિયાન વોટ્સએપ દ્વારા નવું સ્ટીકર પેક લોન્ચ કરવામાં આવ્યું છે. સ્ટીકર પેકના માધ્યમથી વેક્સિન અંગે જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન થશે. પેકને વેક્સિન ફોર ઑલ નામ આપવામાં આવ્યું છે. વિશ્વભરના સ્વાસ્થ્યકર્મીઓના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે વોટ્સએપ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. વોટ્સએપના જણાવ્યા મુજબ વિશ્વ આરોગ્ય સંગઠન સાથે મળીને વેકસીન ફોર ઓલ નામનું સ્ટીકર પેક લોન્ચ કરાઈ રહ્યું છે.

અમને આશા છે કે, સ્ટીકર પેકના માધ્યમથી લોકો એકબીજા સાથે જોડાઇ શકશે. વોટ્સએપે પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે, વર્તમાન મુશ્કેલ સમયમાં લોકોના જીવ બચાવનાર સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે સન્માન દાખવવા માટે પણ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવશે. કોરોના વાયરસ અંગે અબજથી વધુ યુઝર્સને કોવિડ ૧૯ માટે હેલ્પલાઇન સપોર્ટ અને સાચી જાણકારી અને સ્રોત મળે તે માટે કોરોના મહામારીના પ્રારંભથી વોટ્સએપ દ્વારા ૧૫૦થી વધુ રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને સ્થાનિક સરકાર તથા વિશ્વ આરોગ્ય સંગઠન, યુનિસેફ જેવી સંસ્થાઓ સાથે મળી કામ કર્યું છે.

ગયા વર્ષે ગ્લોબલ હેલ્પલાઇન ઉપર અંદાજીત અરબથી વધુ મેસેજ મોકલાયા હતા. વોટ્સએપના સ્ટીકર ફોર ઓલ પેકમાં અલગ-અલગ ૨૩ સ્ટીકર જોવા મળશે. જેને વિશ્વ આરોગ્ય સંગઠનની ભાગીદારીથી બનાવવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં સ્ટીકર ડાઉનલોડ કરી શકાશે. લોકોમાં કોરોનાની રસીથી આશા, ખુશી અને રાહત જેવી લાગણીઓ પ્રદર્શિત કરવા સ્ટીકર પેક કામ આવશે. વોટ્સએપે બ્લોગમાં વધુમાં જણાવ્યું છે કે, અનેક દેશોમાં લોકો એકબીજા સાથે રૂબરૂ ખૂબ ઓછા મળી રહ્યા છે. પરંતુ આશા છે કે, વોટ્સએપના માધ્યમથી લોકો પરિવારજનો તથા મિત્રો સાથે પોતાના વિચારો, અનુભવો અને અપેક્ષાઓ કોઇપણ ખચકાટ વગર શેર કરી શકશે.

(12:00 am IST)