Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કાળાબજાર...રેમડેસિવિરના એક-એક ડોઝ માટે દોઢથી બે લાખઃ ઓકિસજન સિલીન્ડર રૂ. ૪૦,૦૦૦નો

કોરોનાના કેસ વધતા ઉપચાર માટેની સંજીવનીના ભાવ કૂદકેને ભૂસકે વધ્યાઃ નક્કી થયેલા ભાવથી ૧૦૦૦ ગણા સુધીની નફાખોરીઃ એક સપ્તાહમાં ડીમાન્ડ ૫૦ ગણી વધી : અનેક રાજ્યોમાંથી ડીમાન્ડ નિકળતા અછત ઉભી થઈઃ કંપનીઓ તરફથી પુરતો સ્ટોક નહી આવતો હોવાની ફરીયાદ

નવી દિલ્હી, તા. ૯ :. ફરી એક વખત દેશમાં ઓકિસજન સિલીન્ડર અને રેમડેસિવિરને લઈને કાળાબજાર શરૂ થયા છે. કોવિડ ઉપચાર પ્રોટોકોલમાં સામેલ રેમડેસિવિર હાલ નક્કી થયેલા ભાવથી ૧૦૦૦ ગણા વધી ભાવે છાનેખૂણે વેચાઈ રહી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અને હરીયાણા સહિત દેશના અનેક વિસ્તારોમાંથી કાળાબજારના અહેવાલો સામે આવ્યા છે તો હોસ્પીટલોમાં ઓકિસજનની ડીમાન્ડ પણ વધી છે પરંતુ પુરતો પુરવઠો નથી અને તેનો બાટલો ૪૦,૦૦૦માં મળી રહ્યો છે.

દેશમાં રેમડેસિવિર દવાના કાળાબજાર છેલ્લા એક સપ્તાહથી શરૂ થયા છે. ૨૮ માર્ચ બાદ તેની ડીમાન્ડ ૫૦ ટકા વધી ગઈ છે. જો કે કેન્દ્રએ દવા કંપનીઓને દવાનું ઉત્પાદન વધારવાના આદેશ આપ્યા છે પરંતુ હાલત એવી છે કે એક એક ડોઝ માટે વ્યકિતને દોઢથી બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનુ કહેવુ છે કે રેમડેસિવિરની અછતની ફરીયાદો મળી રહી છે પરંતુ કેટલાક રાજ્યોમા તપાસ દરમિયાન આવી સ્થિતિ સામે નથી આવી. જ્યારે ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટના મહામંત્રી રાજીવ સિંગલાએ કહ્યુ છે કે અનેક રાજ્યોમાં ડીમાન્ડ વધી છે કંપની તરફથી પુરતો સ્ટોક નથી આવતો.

રેમડેસિવિર ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક સહિત અનેક શહેરોમાં ઓકિસજનની અછત હોવાની ફરીયાદો મળી રહી છે. નાસિકની સુવિચાર હોસ્પીટલે આવી ફરીયાદ કરી છે તો તેલંગણામાં પણ આવી સમસ્યા જોવા મળી રહી છે.

જો કે ઓકિસજનને લઈને રચવામાં આવેલ રાષ્ટ્રીય સમિતિના જણાવ્યા પ્રમાણે દેશમાં ઓકિસજનની અછત નથી. હાલ ૮૦૦૦થી પણ વધુ મેટ્રીક ટનનું ઉત્પાદન થઈ રહ્યુ છે. સપ્લાય માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવી રહ્યો છે.

(10:03 am IST)