Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દેશને કોરોનાના ભરડામાંથી બહાર કેવી રીતે કાઢવો ? આજે મહત્વનો નિર્ણય લેવાશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હષવર્ધને આજે એક હાઇ લેવલની બેઠક બોલાવી છે. તેઓ આ બેઠકની અધ્યક્ષતા કરશે : આ બેઠક કોરોના સંક્રમણને પહોંચી વળવા માટેની તૈયારીઓને લઈને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ સાથે કરવામાં આવશે

નવી દિલ્હી,તા. ૯:  દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કર્યો હોય પરંતુ બગડતી સ્થિતિએ સરકારની ચિંતા વધારી દીધી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આજે એક હાઈ લેવલની બેઠક બોલાવી છે. તેઓ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક કોરોના સંક્રમણને પહોંચી વળવા માટેની તૈયારીઓને લઈને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ  સાથે કરવામાં આવશે.

કોરોના વયારસે દેશની હેલ્થ સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. હોસ્પિટલ પહોંચનારા દર્દીઓનો આંકડો દરરોજ વધી રહ્યો છે. એકલા દિલ્હીની વાત કરીએ તો ૧૯ નવેમ્બર બાદ રાજધાનીમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૪૩૭ કેસ નોંધાયા છે. આ બધા વચ્ચે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં ૩૭ ડોકટરો કોરોના સંક્રમિત થયા છે. દિલ્હી એમ્સમાં ૧૦ એપ્રિલથી માત્ર ઈમરજન્સી સર્જરી જ  કરવામાં આવશે.

કોરોના મહામારીની બેકાબૂ થતી ગતિ પાછળ લોકોની બેદરકારી જવાબદારી બની છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આ વાત સ્વીકારી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે લોકો પહેલાની અપેક્ષાએ વધુ બેદરકાર બન્યા છે અને મોટાભાગના રાજયોમાં પ્રશાસન પણ સુસ્ત જોવા મળી રહ્યું છે. આવામાં કોરોનાના કેસમાં અચાનક વધારો મુશ્કેલી પેદા કરી રહ્યો છે. આ પ્રસારને  રોકવા માટે ફરીથી યુદ્ઘસ્તરે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ તમામ પડકારો છતાં દેશ પાસે પહેલા કરતા વધુ સારો અનુભવ અને વધુ સારા સંસાધન ઉપલબ્ધ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈ કાલે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧.૨૬ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા હતા. જયારે ૬૮૪ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૨૯,૨૮,૫૭૪ પર પહોંચ્યો અને કુલ મૃત્યુનો આંકડો ૧,૬૬,૮૬૨ થયો. સંક્રમણને રોકવા માટે દિલ્હી સહિત અનેક રાજયોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરાઈ છે.

(10:16 am IST)