Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

હેસ્ટરે કલાસિક સ્વાઈન ફીવર વેકિસન અને શીપ પોકસ વેકિસનના ઉત્પાદન અને કમર્શિયલાઈઝેશન માટે ICAR – IVRI પાસેથી ટેકનોલોજી હસ્તગત કરી

કલાસિકલ સ્વાઇન ફીવર વેકિસન ૨૪ મહિના સુધી રક્ષણાત્મક રોગપ્રતિકારક શકિત પૂરી પાડે છે

નવી દિલ્હી, તા.૯: હેસ્ટરે ICAR – IVRI (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ- ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ) સાથે નીચે મુજબની રસીના ઉત્પાદન અને કમર્શિયલાઈઝેશન માટેની ટેકનોલોજી હસ્તગત કરવા માટે બે કરાર પર હસ્તાક્ષર કર્યા છેઃ (૧) કલાસિક સ્વાઈન ફીવર વેકિસન (૨)         શીપ પોકસ વેકિસન

સ્થાનિક સ્તરે આઈસોલેટેડ સ્ટ્રેઈનના ઉપયોગથી તૈયાર કરાયેલી આ વેકિસન્સ દેશમાં વિકસાવાયેલી સૌપ્રથમ વેકિસન્સ છે, જે દેશની કલાસિક સ્વાઈન ફીવર વેકિસન અને શીપ પોકસ વેકિસનની જરૂરિયાતને પહોંચી વળવામાં ઉપયોગી નિવડવા ઉપરાંત ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક પગલું આગળ લઈ જશે.

આ કરાર પર ૨૬ માર્ચ, ૨૦૨૧ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં, ત્યારબાદ ૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ વર્ચ્યુઅલ સમારંભનું આયોજન કરાયું હતું.

બંને રસીઓનું સલામતી અને શકિત માટે આઇવીઆરઆઈ દ્વારા વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે ૧૦૦% રક્ષણ પૂરી પાડતી હોવાનું પુરવાર થયું છે. કલાસિકલ સ્વાઇન ફીવર વેકિસન ૨૪ મહિના સુધી રક્ષણાત્મક રોગપ્રતિકારક શકિત પૂરી પાડે છે. શીપ પોકસ રસી ૪૮ મહિના સુધી રક્ષણાત્મક રોગપ્રતિકારક શકિત પૂરી પાડે છે. આ વેકિસન્સથી ભારતમાં ડૂક્કર અને દ્યેટાંના ઉછેરમાં થતાં આર્થિક નુકસાનને અટકાવવાની અપેક્ષા છે.

હેસ્ટરનો પ્રયાસ,આ રોગો સામે પ્રાણીઓના રસીકરણને સક્ષમ બનાવવા માટે ઓછા ખર્ચે સારી ગુણવત્તાની રસીઓનું ઉત્પાદન કરવાનો છે. હેસ્ટર લગભગ ૮ મહિનામાં બંને રસીઓને વ્યાપારી ધોરણે લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ભારતમાં ડુક્કરની વસ્તી ૯.૦૬ મિલિયન (૯૦ લાખ) હોવાનો અંદાજ છે. ભારતમાં ઘેટાંની વસ્તી ૭૪.૨૬ મિલિયન (૭.૪૨ કરોડ) હોવાનો અંદાજ છે. આવકના સ્ત્રોત તરીકે પશુઓ પર વધી રહેલા મદારને પગલે આગામી સમયમાં દેશમાં ડુક્કર અને ઘેટાંની વસતિમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષાને પગલે વેકિસનની માગમાં પણ વધારો જોવા મળશે.

(4:01 pm IST)