Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

હવે મુંબઈમાં રસીની અછતને કારણે ૨૫ ખાનગી સેન્ટરને તાળા

મુંબઈમાં ૭૧ ખાનગી હોસ્પિટલના રસીકરણ સેન્ટરમાંથી ૨૫ પર તાળુ લાગી ગયું છેઃ પૂણેમાં ૧૦૯ રસી કેન્દ્ર બંધ થવાના સમાચાર

મુંબઇ, તા.૯: દેશના અનેક રાજયોમાં કોરોનાની રસીની અછત હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર સતત કેન્દ્ર સરકારને રસીના સ્ટોકમાં વધારવાની અપીલ કરી રહ્યું છે. હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં ૭૧ ખાનગી હોસ્પિટલ સેન્ટરમાંથી ૨૫ પર તાળુ લાગી ગયું છે. આની પાછળ રસીની અછત હોવાનું જણાવવવામાં આવી રહ્યુ છે. આ પહેલા રાજયના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સરકારને જલ્દી જ રસીનો સ્ટોક ફાળવવાની વાત કરી હતી. ત્યારે કેન્દ્ર સરકાર સતત પુરતો સ્ટોક અને યોગ્ય ફાળવણીનું રટણ કરી રહી છે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈ રસીની અછતથી પીડાઈ રહ્યું છે. સ્થિતિ એ છે કે શહેરમાં ચાલી રહેલા ૭૧ ખાનગી વેકસીન સેન્ટર્સમાંથી ૨૫ બંધ થઈ ગયા છે. જો કે એમ કહેવામાં આવી રહ્યુ છે કે શહેરમાં જલ્દી જ ૧ લાખ ૮૬ હજાર રસીની નવી ખેપ મળી શકે એમ છે.  રિપોર્ટ મુજબ મુંબઈમાં અત્યારે ૪૦ થી ૫૦ હજાર કોરોના ડોઝ વેચાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્રની સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.

લોકસભા સાંસદ અને રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ બુધવારે દાવો કર્યો હતો કે પૂર્ણેમાં રસીની અછતના કારણે લગભગ ૧૦૯ રસીકરણ કેન્દ્ર બંધ રહ્યા છે.  સાથે તેમણે કહ્યુ છે કે અનેક લોકોને રસી લીધા વગર પાછા ફરવું પડ્યુ છે. તેમણે ટ્વીટ કરી હતી કે પૂર્ણે જિલ્લામાં આજે ૩૯૧ રસીકરણ સેન્ટર્સ પર ૫૫ હજાર ૩૫૯ લોકોને રસી આપવામાં આવી. અનેક હજાર લોકોને રસીકરણ વગર પાછા મોકલવામાં આવ્યા છે કેમ કે સ્ટોક ખતમ થઈ ગયો હતો.

મહારાષ્ટ્રના કોંગ્રેસ પ્રમુખે રસીની કમીના સમાચારોની વચ્ચે ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે ગુરુવારે કહ્યુ કે આજે આપણો દેશ પાકિસ્તાનને મફ્ત રસી પહોંચાડી રહ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર માટે આ મામલામાં તે રાજકારણ કરી રહ્યા છે. તેમણે ભાજપના નેતાઓ પર આરોપ લગાવ્યો છે. પટોલે એ કહ્યું કે રાજય અને કેન્દ્રના ભાજપના નેતા મહારાષ્ટ્રને નિશાન બનાવી રહ્યા છે. એ નક્કી છે કે તેમને આનું પરિણામ ભોગવવું પડશે. ભારતે દુનિયાના અનેક દેશોને મફત રસી પહોંચાડી છે.

(4:04 pm IST)