Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાનો હચમચાવતો પ્રહારઃ પહેલી વખત ઍક સાથે ૪૧ મૃતદેહૐની અંતિમ યાત્રાઃ ૮ મહિનાની બાળકી પણ ન બચીઃ ભોપાલની કરૂણાંતિકા

ભોપાલ: દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના પગલે પોઝિટિવ કેસોનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. આ સાથે જ એક દિવસમાં થનારા મોતનો આંકડો વધતા અનેક ઠેકાણે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે પણ વૅઈટિંગ આવી રહ્યું છે. આવું જ કંઈક મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળ્યું છે. જ્યાં એક જ દિવસમાં 41 કોરોના પોઝિટિવ લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા.

આવું કદાચ પ્રથમ વખત થયું છે કે, ભોપાલમાં આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતોના મૃતદેહોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોય. શહેરના ભદભદા વિશ્રામ ઘાટ પર 41 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાંથી 31ની અંતિમ વિધિ કોવિડ પ્રોટોકોલ અંતર્ગત કરવામાં આવી હતી.

ભોપાલમાં સ્થિતિ એટલી ભયાનક તઈ ગઈ છે કે, પ્રથમ વખત ભદભદા વિશ્રામઘાટ પર કોરોના સંક્રમિતો માટે તૈયાર કરવામાં આવેલી જગ્યા પણ ઓછી પડવા લાગી અને નવા મૃતદેહો માટે નવી જગ્યા બનાવવી પડી. ભદ્દભદા વિશ્રામઘાટમાં કોરોના સંક્રમિતોના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કુલ 12 પિલર તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે પહેલાથી ફાળવેલી જગ્યા અંતિમ સંસ્કાર માટે ઓછી પડવા લાગી, તો વિદ્યુત શબદાહ ગ્રાઉન્ડમાં નવી જગ્યા તૈયાર કરવી પડી.

આ ઉપરાંત ભોપાલના સુભાષનગર વિશ્રામઘાટમાં 5 મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા અને ઝદા કબ્રસ્તાનમાં પણ 5 સંક્રમિતોના મૃતદેહને દફનાવવામાં આવ્યા છે. આવી જ રીતે ઈન્દોરમાં 6 એપ્રિલે 25 કોરોના સંક્રમિતો મૃતદેહોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ભોપાલમાં 8 મહિનાની બાળકી અદીબાનું પણ મોત નીપજ્યું છે. ભોપાલમાં પ્રથમ વખત આટલી નાની વયની કોઈ બાળકીનું કોરોનાના કારણે મોત થયું છે. અદીબાની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તે કોરોના સામે હારી ગઈ. ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે, અદીબાના પરિવારમાં કોઈ પણ કોરોનાથી સંક્રમિત નથી.

(5:54 pm IST)