Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

આસામમાં પરિણામ પહેલા રિસોર્ટ પોલિટિક્સ: કોંગ્રેસ ગઠબંધનમાં ભાડદોડ : ઉમેદવારોને જયપુર લઈ જવાયા

એક મહિના પહેલા જ ગઠબંધનના ઉમેદવારોને પક્ષ પલટાથી બચાવવા માટે ક્વાયત શરૂ

ગુવાહાટી: આસામમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના એક મહિના પહેલા જ ગઠબંધનના ઉમેદવારોને પક્ષ પલટાથી બચાવવા માટે ક્વાયત શરૂ કરી છે. કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારોને જયપુર રિસોર્ટમાં લવાયા છે જેથી ભાજપ તેમને ચૂંટણીના પરિણામો પહેલા કે પછી પોતાની તરફ ખેંચવામાં સફળ ના થઈ શકે. પાર્ટી સુત્રોના જણાવ્યા મુજબ, ઓછામાં ઓછા 22 ગઠબંધન ઉમેદવારોને જયપુરના રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આસામમાં કોંગ્રેસ ગઠબંધનમાં સામેલ બોડો પીપલ્સ ફ્રન્ટ (BPF)ના એક ઉમેદવાર મતદાન પહેલા જ ભાજપમાં સામેલ થઈ ગયો હતો. જેનાથી ગઠબંધનને મોટો ફટકો પડ્યો હતો. ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટે આ બેઠક પર મતદાન સ્થગિત કરવાની માંગ પણ ફગાવી દીધી હતી. આ

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જયપુર લાવવામાં આવેલા ઉમેદવારોમાં બદરુદ્દીન અજમલની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF), બોડો પીપલ્સ ફ્રન્ટ (BPF) અને લેફ્ટ પાર્ટીના ઉમેદવારો સામેલ છે. આ તમામ ઉમેદવારોને કોંગ્રેસ શાસિત રાજસ્થાનની રાજધાની જયપુરના એક રિસોર્ટમાં રોકવામાં આવ્યા છે. ગત વર્ષે જ્યારે રાજસ્થાનમાં અશોક ગહલોતની સરકાર પર સંકટ આવ્યું હતું, ત્યારે પાર્ટીના તમામ ધારાસભ્યોને આજ હોટલમાં મોકલવામાં આવ્યા હતા

આસામમાં ભાજપે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી સરકાર બનાવી હતી. તે સમયે કોંગ્રેસ AIUDF જેવી પાર્ટીથી અલગ ચૂંટણી લડી હતી. આસામમાં આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ત્રણ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કામાં 27 માર્ચે અને આખરી તબક્કામાં 6 એપ્રિલે મતદાન થયુ હતુ. આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો અન્ય રાજ્યોની સાથે 2જી મેના રોજ જાહેર થશે

(6:40 pm IST)