Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સેન્સેક્સમાં ૧૫૫ પોઇન્ટ અને નિફ્ટીમાં ૩૬ પઈન્ટનો ઘટાડો

સપ્તાહના કારોબારના છેલ્લા દિવસે બજારમાં કડાકો : ખાનગીકરણની શક્યતાએ BOI, બેંક ઓફ મહારાષ્ટ્રના શેરોમાં તેજી, સેન્ટ્રલ બેંકના શેરમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટ

મુંબઈ, તા. ૯ : ભારતીય શેર બજારો શુક્રવારે, સપ્તાહના અંતિમ કારોબારના દિવસે, થોડા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેંજ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૩૧ ટકા એટલે કે ૧૫૪.૮૯ પોઈન્ટ ઘટીને ૪૯,૫૯૧.૩૨ પર બંધ રહ્યો છે. તે ખૂબ નીચા ૪૯,૭૪૩.૩૯ માર્ક પર ખુલ્યો છે. ટ્રેડિંગ દરમિયાન, તે મહત્તમ ૪૯,૯૦૬.૯૧ પોઇન્ટ અને ન્યૂનતમ ૪૯,૪૬૧.૦૧ પોઇન્ટ સુધી ગયો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ માંથી ૧૩ શેરો લીલા નિશાન પર હતા અને ૧૭ શેરો લાલ નિશાન પર હતા.

૩૦ શેરવાળા સેન્સેક્સમાં શુક્રવારે સૌથી વધુ સન ફાર્મામાં ૩.૬૯ ટકાની તેજી જોવા મળી હતી, એચયુએલમાં ૨.૫૧ ટકા, ટેક મહિન્દ્રામાં ૨.૩૭ ટકા, ડો. રેડ્ડીમાં ૧. ૪૮ ટકા અને ટાઇટનમાં ૧.૧૪ ટકા વધ્યા છે. તે જ સમયે, બજાજ ફાઇનાન્સમાં ૩.૧૨ ટકા, અલ્ટ્રા સિમેન્ટમાં ૨.૧૬ ટકા, એનટીપીસીમાં ૧.૯૫ ટકા અને એક્સિસ બેક્નમાં ૧.૯૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

નેશનલ સ્ટોક એક્સચેંજના ઈન્ડેક્સ નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારે ૦.૨૪ ટકા અથવા ૩૬.૨૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૪,૮૩૭.૫૫ ની સપાટીએ બંધ રહ્યો છે. બજાર બંધ સમયે નિફ્ટીના ૫૦ માંથી ૨૧ શેરોમાં તેજી જોવા મળી હતી અને ૨૯ ઘટ્યા હતા. સિફલામાં નિફ્ટી શેરોમાં સૌથી વધુ ૫.૦૯ ટકા, સન ફાર્મામાં ૩.૫૦ ટકા અને એચયુએલમાં ૨.૮૪ ટકાનો વધારો રહ્યો છે.

શુક્રવારે પીએસયુ બેંકોમાં તેજી જોવા મળી. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો શેર ૧૦ ટકાના ઉપલા સર્કિટ સાથે રૂ. ૧૮.૧૫ રુપિયા પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયન ઓવરસીઝ બેક્ને ૧૧.૫૩ ટકા, બેંક ઓફ ઇન્ડિયામાં ૯.૨૪ ટકા, બેક્ન ઓફ મહારાષ્ટ્રમાં ૧૬.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચારમાંથી બે પીએસયુ બેંકોના નામ ખાનગીકરણ માટે આવશે. આ જ કારણ છે કે તેમના શેરમાં તેજી નોંધાઈ છે.

(7:33 pm IST)