Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે 'સાર્થક યોજના'ની શરૂઆત

દેશમાં શિક્ષણક્ષેત્રે કેટલાક ફેરફાર કરવામાં આવશે : રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવી શિક્ષણ નીતિના લક્ષ્ય-ઉદેશ્યને સમજવામાં આ યોજનાથી મદદ મળશે

નવી દિલ્હી, તા. ૯ : દેશમાં શિક્ષણનું સ્તર સારું બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે લાગુ કરવા માટે 'સાર્થક યોજના'ની  શરૂઆત કરી છે. તેનાથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવી શિક્ષણ નીતિના લક્ષ્ય અને ઉદેશ્યને સમજવામાં મદદ મળશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ તેમજ સાક્ષરતા વિભાગે 'સાર્થક' યોજનાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી લીધી છે. તેને દેશના ૭૫ વર્ષ પુરા થયાની ખુશીમાં ઉજવવામાં આવતા અમૃત મહોત્સવ અંતર્ગત જાહેર કરવામાં આવશે. આ સમયે શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 'સાર્થક' યોજના ઇન્ટરેક્ટિવ, લચીલી અને સમાવિષ્ટ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે નવી શિક્ષણ નીતિ માટે ૧ વર્ષની કાર્ય યોજના તૈયાર કરી છે. તમામ રાજ્યો તેમની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેને સ્વીકારી શકે છે. જો તેમને જરૂરિયાત લાગે છે તો તેઓ તેમાં ફેરફાર પણ કરી શકે છે. આ સંબંધમાં મંત્રાલયને લગભઘ ૭૧૭૭ સૂચનો મળ્યા છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે જણાવ્યું હતું કે 'સાર્થક યોજના' અંતર્ગત કાર્યો અને પ્રવૃત્તિઓને એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે તેમાં લક્ષ્યો, પરિણામો અને સમયરેખાઓનો ઉલ્લેખ કરવામાં આવે. આમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણોને ૨૯૭ કામો સાથે જોડવામાં આવી છે. આ માટે જવાબદાર એજન્સીઓ અને સમયરેખા પણ નક્કી કરવામાં આવી છે. આ કામો માટે ૩૦૪ પરિણામો નક્કી કરાયા છે.

(9:32 pm IST)