Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મહારાષ્ટ્રમા કોરોનાનો કાળોકેર યથાવત : 24 કલાકમાં નવા 58,993 કેસ : વધુ 301 દર્દીઓના મોત : મુંબઈમાં નવા 9200 કેસ

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું - માળખાગત સુવિધામાં સુધારો લાવવા માટે બેથી ત્રણ અઠવાડિયાનું "સંપૂર્ણ લોકડાઉન" કરવું જરૂરી

મુંબઈ: મહારાષ્ટ્રના કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 58,993 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 301 દર્દીઓના મોત થયા છે. એકલા મુંબઈમાં 9,200 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 35 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્માં અત્યાર સુધીમાં 32,88,540 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 57,329 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં ગુરુવારે કોવિડ-19ના 56,286 નવા કેસ સામે આવ્યા હતા. બુધવારે 59 હજાર 907 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 322 દર્દીઓના મોત થયા હતા.

કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આજે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે રાજ્યમાં આરોગ્યના માળખાગત સુવિધામાં સુધારો લાવવા માટે બેથી ત્રણ અઠવાડિયાનું "સંપૂર્ણ લોકડાઉન" કરવું જરૂરી છે. ટોપે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારનું પગલુ ત્યારે ભરી શકાય જ્યારે સરકાર સ્થિતિ સાથે લડવામાં અસમર્થ હોય.

જોકે, રાજેશ ટોપે કહ્યું હતું કે, "મને આશા છે કે આપણે વાયરસને વર્તમાન પ્રતિબંધોની સાથ કાબૂમાં રાખી શકીએ છીએ." અમે સર્વશ્રેષ્ઠની આશા રાખીએ છીએ. '' ટોપે કહ્યું કે રાજ્ય સરકાર કેસમાં વધારો થવાને લઈ ચિંતિત છે અને તેને કેંદ્રની મદદ અને સલાહની જરુર છે.

(11:29 pm IST)