Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૦૩૭૩૮ પોઝિટિવ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૯૨ દર્દીઓના મોત : ૩૮૬૪૪૪ દર્દીઓ સાજા થયા છે, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૧૮૩૧૭૪૦૪ થઈ ગઈ

નવી દિલ્હી,તા.૯ : ભારતમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસનો આંકડો ૪ લાખને પાર નોંધાયો છે, આ સાથે જ દેશમાં કોરોના વાયરસના ૨૪ કલાકમાં નોંધાતા મૃત્યુઆંક ૪૦૦૦ને પાર થઈ ગયા છે. ભારતમાં ચાલી રહેલી બીજી લહેર દરમિયાન કોરોનાના સતત વધતા કેસની સાથે મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેરા કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૪,૦૩,૭૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના કેસનો આંકડો વધીને ૨,૨૨,૯૬,૪૧૪ થઈ ગયો છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, દેશમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૩,૮૬,૪૪૪ દર્દીઓ સાજા થયા છે, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૧,૮૩,૧૭,૪૦૪ થઈ ગઈ છે. આ સાથે ભારતમાં ૪૦૦૦ કરતા વધુ દર્દીઓના મોત પાછલા ૨૪ કલાકમાં થયા છે. ૪૦૯૨ દર્દીઓના મોત સાથે ભારતમાં કુલ કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૨,૪૨,૩૬૨ પર પહોંચી ગયો છે. આઈસીએમઆર મુજબ ભારતમાં ૮ મે સુધીમાં કુલ ૩૦,૨૨,૭૫,૪૭૧ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી શનિવારે ૧૮,૬૫,૪૨૮ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. ભારતમાં ૭ મે સુધીમાં કુલ ૧૬,૯૪,૩૯,૬૬૩ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના રસી માટેનું અભિયાન ૧૬ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું, જેમાં ૧ મેથી ૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

         ગુજરાતમાં હવે કોરોનાને હરાવીને સાજા થઈ રહેલા દર્દીની સંખ્યામાં વધારો થતાં રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧,૮૯૨ કેસો નોંધાયા છે અને સામે ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૧૯ દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક ૮૨૭૩ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૩૫૯, સુરતમાં ૮૮૯, વડોદરામાં ૭૧૦, મહેસાણામાં ૫૮૮, રાજકોટમાં ૩૯૬, જામનગરમાં ૩૮૨ નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠામાં ૨૮૦, ભાવનગરમાં ૨૮૦, જુનાગઢમાં ૨૪૬, પંચમહાલમાં ૨૩૧, ગીર સોમનાથમાં ૨૨૩, કચ્છમાં ૧૮૯, દાહોદમાં ૧૭૯, આણંદમાં ૧૭૬, મહીસાગરમાં ૧૭૫, અરવલ્લીમાં ૧૭૧, પાટણમાં ૧૫૫, અમરેલીમાં ૧૪૬, ખેડા અને સાબરકાંઠામાં ૧૩૯, ભરૂચમાં ૧૩૧, ગાંધીનગરમાં ૧૨૪, નવસારીમાં ૧૨૧, વલસાડમાં ૧૦૨, છોટા ઉદેપુરમાં ૯૮, સુરેન્દ્રનગરમાં ૭૬, મોરબીમાં ૭૨, નર્મદામાં ૬૭, દેવભૂમિ દ્વારકમાં ૫૮, તાપીમાં ૪૯, પોરબંદરમાં ૪૬ નવા કેસો નોંધાયા છે.

(7:25 pm IST)