Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ચૂંટણી સોગંધનામામાં ખોટી માહિતી રજૂ કરનારને બે વર્ષની સજાનો જોગવાઈ કરો

ચૂંટણી પંચે લખ્યો કાયદામંત્રીને પત્ર :અનેક ચૂંટણી સુધારાને લગતી દરખાસ્તો ઝડપથી કરવા તાકીદ કરી

નવી દિલ્હી :મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદને એક પત્ર લખીને ચૂંટણીના સોગંદનામામાં ઉમેદવારો દ્વારા ખોટી માહિતી આપવા બદલ બે વર્ષની જેલની જોગવાઈ સહિતના અનેક ચૂંટણી સુધારાને લગતી દરખાસ્તો ઝડપથી કરવા તાકીદ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું, “મેં કાયદા પ્રધાનને પત્ર લખ્યો છે કે આ દરખાસ્તો તુરંત ધ્યાનમાં લેવી જોઈએ અને આશા છે કે ટૂંક સમયમાં મંત્રાલય દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવશે.” આ સાથે જ ચૂંટણીપંચએ એવી પણ દરખાસ્ત કરી છે કે પેઈડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા હેઠળ ગુનો બનાવવો જોઈએ.

ચૂંટણીપંચએ સૂચવેલા ચૂંટણી સુધારામાંની એક મુખ્ય દરખાસ્ત ચૂંટણીના સોગંદનામામાં ખોટી માહિતી આપવા બદલ જેલની મુદત છ મહિનાથી વધારીને બે વર્ષ કરવાની જોગવાઈને લગતી છે. બે વર્ષ કેદની સજા થવાથી સંબંધિત ઉમેદવાર પર ચૂંટણીમાં લડવા છ વર્ષ સુધીનો પ્રતિબંધ લાગુ કરવામાં આવે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું છે કે, હાલમાં છ મહિનાની જેલની જોગવાઈ છે જે કોઈને પણ ગેરલાયક ઠેરવશે નહીં.
ચૂંટણીપંચએ એવી પણ દરખાસ્ત કરી છે કે પેઈડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા હેઠળ ગુનો બનાવવો જોઈએ અને આ માટેની જોગવાઈઓ થવી જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનરે યાદ કરાવ્યું કે પંચે ચૂંટણી પ્રચાર પૂરો થવાના અને મતદાનના દિવસની વચ્ચેના ‘સાયલેન્ટ પીરીયડ’ દરમિયાન સમાચારપત્રોમાં રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેથી મતદારો પ્રભાવિત ન થાય અને ખુલ્લા મનથી તેમના મતાધિકારનો ઉપયોગ કરે. આ પગલા માટે જન પ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારાની જરૂર રહેશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે મતદાનના 48 કલાક પહેલા પ્રચાર સંબંધિત કાયદામાં ફેરફાર સૂચવવા માટે રચાયેલી સમિતિએ ભલામણ કરી હતી કે મતદાનના દિવસે સમાચારપત્રોમાં જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવે. હાલમાં, ઇલેક્ટ્રોનિક મીડિયાને મતદાન પૂર્ણ થયાના 48 કલાક પહેલા પ્રચાર સામગ્રી બતાવવા પર પ્રતિબંધ છે. પરંતુ સમિતિએ ભલામણ કરી છે કે સમાચારપત્રો પર પણ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે બીજી દરખાસ્ત મતદારયાદીને આધાર સાથે જોડવાની છે. જેથી મતદારયાદીમાં નામ એક કરતા વધારે જગ્યાએ રોકી શકાય. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તાજેતરમાં લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે ચૂંટણીપંચની દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ છે અને આ માટે ચૂંટણીના કાયદામાં સુધારો કરવો પડશે.

(12:00 am IST)