Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મહારાષ્ટ્રમાં કોરોનાએ માથું ઉચક્યું : 4 મહિના બાદ એક જ દિવસમાં નવા 2,701 કેસ નોંધાયા

રાજધાની મુંબઈમાં જ 1765 નવા કેસ : રાજ્યમાં હાલ સક્રિય કેસની સંખ્યા 9806

મુંબઈ : આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં બુધવારે ચાર મહિના પછી એક જ દિવસમાં કોવિડ-19ના સૌથી વધુ 2,701 કેસ નોંધાયા છે. રાજધાની મુંબઈમાં જ 1765 નવા કેસ નોંધાયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં સક્રિય કેસની સંખ્યા 9806 છે. અગાઉ મંગળવારે કોરોના વાયરસના સંક્રમણના 1,881 નવા કેસ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ સંક્રમણના 2,701 કેસ નોંધાયા છે, જે મંગળવારના કેસ કરતાં 820 વધુ છે. બુધવારે રિપોર્ટમાં, 1,765 કોવિડ દર્દીઓ મુંબઈના છે, જે મંગળવારના કેસ કરતાં બુધવારે 81 ટકા વધુ કેસ છે. આ સાથે જો મુંબઈમાં સોમવારે આવેલા કોવિડ કેસની વાત કરીએ તો આ દિવસે 1036 કેસ નોંધાયા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 1881 નવા કેસ નોંધાયા હતા. સોમવારે કોવિડના 1036 કેસ નોંધાયા હતા. મંગળવારે એકલા મુંબઈમાં જ કોવિડ-19ના 1242 નવા કેસ નોંધાયા હતા, જે સોમવારે 676 હતા.

મહારાષ્ટ્ર સરકાર કોવિડના મામલાઓને લઈને ઘણી સતર્ક છે, સરકારે કોવિડ સામે લડવા માટે પહેલાથી જ માર્ગદર્શિકા જારી કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર મહારાષ્ટ્રમાં આ સમયે ટેસ્ટ પોઝિટીવીટી રેટ 9.74 ટકા છે. આનો અર્થ એ છે કે કોવિડ માટે પરીક્ષણ કરાયેલા દર 100 લોકોમાંથી લગભગ 10 લોકો સકારાત્મક હોવાનું બહાર આવ્યું છે.

(10:10 pm IST)