Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અલ-કાયદા મુસ્લિમો માટે મુશ્કેલી ઊભી કરે છે: ઈસ્લામને રક્ષણાત્મક ઢાલ બનાવી માનવતાની હત્યા કરવા માંગે છે

રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આકરી પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી :આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારત પર હુમલાની ધમકી આપ્યા બાદ રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અલ-કાયદા મુસ્લિમોનું રક્ષણ કરતું નથી પરંતુ તેમના માટે મુશ્કેલી ઊભી કરે છે. આ લોકો ઈસ્લામને રક્ષણાત્મક ઢાલ બનાવીને માનવતાની હત્યા કરવા માંગે છે. પાકિસ્તાનના દુષ્પ્રચારમાં ફસાયેલા લોકોએ સમજવું જોઈએ કે વિવિધતામાં એકતાની તાકાતને ભારત નબળું પાડી શકે નહીં.

કેટલાક લોકો ભારતમાં માનવ અધિકારો પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ જ્યાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે, લઘુમતીઓની ખુલ્લેઆમ કતલ થઈ રહી છે, અપરાધ અને અત્યાચારની દરેક હદ વટાવી દેવામાં આવી છે, ત્યાં તેઓ આંખો બંધ કરીને બેઠા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પયગંબર પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી આતંકી સંગઠન અલ કાયદા પણ નારાજ થઈ ગયું છે. તેણે ભારતના ઘણા રાજ્યોમાં હુમલાની ધમકી આપી છે. આતંકવાદી જૂથ અલ-કાયદાએ કહ્યું છે કે તે પયગમ્બરના સન્માનમાં લડવા માટે દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરશે. જયારે વિશ્વના ઘણા મુસ્લિમ દેશો આ ટિપ્પણીને લઈને ભારત સામે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

પયગંબર વિરુદ્ધ ટિપ્પણી બાદ કતાર, ઈરાન, ઈરાક, કુવૈતે ભારતીય રાજદ્વારીઓને બોલાવીને તેની સખત નિંદા કરી છે. આ સિવાય ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, માલદીવ પણ આ યાદીમાં સામેલ છે.

(12:50 am IST)