Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મિતાલીની નિવૃત્તિ બાદ હરમનપ્રીતને ટીમ ઈન્ડિયાની કમાન સોંપાઈ : શ્રીલંકા માટે ODI અને T20 ટીમ જાહેર

શ્રીલંકામાં ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. T20 શ્રેણી ડૈમબુલ્લામાં રમાશે જ્યારે ODI સિરીઝ કેન્ડીમાં રમાશે

મુંબઈ :ભારતીય મહિલા ટીમ આ મહિને શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. અહીં બંને ટીમો વચ્ચે પહેલા ત્રણ T20 અને પછી ત્રણ ODI સિરીઝ રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજની નિવૃત્તિ બાદ ODI ટીમની કપ્તાની વિસ્ફોટક બેટ્સમેન હરમનપ્રીત કૌરને  સોંપવામાં આવી છે. મહિલા ટી20 ચેલેન્જમાં શાનદાર રમત દેખાડનાર જેમિમાહ રોડ્રિગ્સની ટી20 ટીમમાં વાપસી થઈ છે. મિતાલી રાજ સિવાય ઝુલન ગોસ્વામી પણ ODI સિરીઝમાં દેખાશે નહીં. ગોસ્વામીને આ સિરીઝ માટે વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી.

મિતાલી રાજે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. લગભગ 23 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મિતાલીએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. તે ટીમ ઈન્ડિયાની વનડે અને ટેસ્ટ કેપ્ટન હતી. હવે તેની જગ્યાએ આ જવાબદારી હરમનપ્રીત કૌરને આપવામાં આવી છે, જે પહેલાથી જ T20ની કેપ્ટનશીપ સંભાળી રહી હતી. વિસ્ફોટક બેટ્સમેન સ્મૃતિ મંધાનાને બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે.

 

ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમમાંથી બહાર કરાયેલી જેમિમા રોડ્રિગ્સની પણ વાપસી થઈ છે. જેમિમાએ T20 મહિલા ચેલેન્જની બે મેચમાં 45.00ની એવરેજથી 90 રન બનાવ્યા હતા. જોકે, તે ODI ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. તેના સિવાય ઝુલન ગોસ્વામીને પણ ODI ટીમમાં તક આપવામાં આવી નથી. લાંબા સમય બાદ એવો પ્રસંગ આવશે જ્યારે ઝુલન ગોસ્વામી અને મિતાલી રાજ બંને ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય.

 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ 23 જૂનથી શરૂ થશે અને 7 જુલાઈ સુધી ચાલશે. પ્રથમ T20 સિરીઝ રમાશે. પ્રથમ મેચ 23મી જૂને ડૈમબુલ્લામાં રમાશે, સિરીઝની બીજી મેચ 25મી જૂને અને ત્રીજી મેચ 27મી જૂને આ જ મેદાન પર રમાશે. આ પછી ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. સિરીઝની તમામ મેચો કેન્ડીમાં રમાશે. પ્રથમ મેચ 1 જુલાઈએ, બીજી મેચ 4 જુલાઈએ અને ત્રીજી મેચ 7 જુલાઈએ યોજાશે.

T20 ટીમ – હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, એસ મેઘના, દીપ્તિ શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સિમરન બહાદુર, ઋચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, રાધા યાદવ.

ODI ટીમ – હરમપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, એસ મેઘના, દીપ્તિ શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સિમરન બહાદુર, ઋચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, તાનિયા ભાટિયા અને હરલીન દેઓલ.

(1:07 am IST)